વરસાદ પડતાં જ મોટા ભાડિયા ગામની પાપડી તૂટે : પુલ બનાવવા માટે માગણી

વરસાદ પડતાં જ મોટા ભાડિયા ગામની પાપડી તૂટે : પુલ બનાવવા માટે માગણી
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 11 : આ ગામની પશ્ચિમ દિશાએ અને ગુંદિયાળી તથા તાલુકા મથક માંડવીને જોડતા રસ્તે નદી પર આવેલી પાપડી છેલ્લા બે વર્ષ થયા ચોમાસામાં નિયમિત રીતે તૂટી જાય છે અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલી સહેવી પડે છે. આ મુશ્કેલીના નિરાકરણ માટે આ સ્થળે પુલ બનાવાની માગણી કરાઈ છે. સરપંચ નાગશીભાઈ ગઢવી અને ઉપસરપંચ દેવદાસભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ગત વર્ષે ચોમાસામાં તૂટીને સાવ ખોખલી થઈ ગયેલી પાપડી પર પથ્થર અને માટીની લીંપાપોતી કરી કામચલાઉ ધોરણે મરંમત કરાઈ હતી. ગયા વર્ષે જ આ સ્થળે તાત્કાલિક અસરથી પુલ બનાવાની માગણી કરાઈ હતી. જે ગત વર્ષે ન સંતોષાતાં  વર્તમાન સમય આ જ  પરિસ્થિતિ ઊભીને સામે આવી હતી. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ પાપડી પર બચેલો આર.સી.સી. અને ડામરનો માલ કાટમાળમાં ફેરવાઈને પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. આજની તારીખે સપાટ ધરતી નજરે પડે છ. પંચાયત ઉપરાંત તા.પં. સદસ્ય પુનશી ગઢવી, પત્રકાર કરસન ગઢવી સહિતનાઓએ રજૂઆત કરતાં તાત્કાલિક અરસથી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ ગાંધીનગર કક્ષાએ પુલ બનાવવાની ભારપૂર્વક રજૂઆત કરી છે. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આ ગામની નદી પર દસ ગાળાને સમાવતા અને રૂપિયા ચાર કરોડની કિંમતને સમાવતા પ્લાનની નકલ પણ ગાંધીનગર કક્ષાએ મુકાઈ છે. આ કામ ચોમાસું પૂર્ણ થયા બાદ તાત્કાલિક અસરથી ચાલુ થાય તો ગ્રામજનો ઉપરાંત પંથકને કરવી પડતી યાતાયાતને ફાયદો થાય તેવું જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer