ગાંધીધામમાં 15 કરોડની કચરાપેટી !

ગાંધીધામમાં 15 કરોડની કચરાપેટી !
ગાંધીધામ, તા. 11 : નગરપાલિકા દ્વારા આદિપુર ગાંધીધામમાં કરોડોના ખર્ચે બનાવાયેલાં વરસાદી નાળાંઓની હાલત કચરાપેટી જેવી થઈ ગઈ હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા નવા આવેલા મુખ્ય અધિકારીને પાઠવાયેલા પત્રમાં કરવામાં આવ્યો છે. નવા મુખ્ય અધિકારીને કોંગ્રેસ દ્વારા અભિનંદન પાઠવી ગાંધીધામની પ્રજા વર્ષોથી સમસ્યા ભોગવી રહી છે તેનો વહેલી તકે ઉકેલ લાવી પ્રજાને રાહત અપાવવા અનુરોધ કરાયો  છે. વરસાદની મોસમ ચાલુ છે. પાલિકા દ્વારા લગભગ 15 કરોડના ખર્ચે બનાવાયેલાં વરસાદી નાળાંઓની પ્રથમ વરસાદમાં જ પોલ ખૂલી ગઈ હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો હતો. આ નાળાંઓ નહીં જાણે  15 કરોડની કચરાપેટી સુધરાઈએ બનાવી હોય તેવી હાલત હોવાનું જણાવી નાળાંઓમાં જ્યાં જુઓ ત્યાં ગંદાં પાણી ભરાયેલાં છે અને કચરાના ગંજ નજરે પડી રહ્યા છે. દેખીતી રીતે નાળાંઓનાં કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી જરા માત્ર પણ સંતોષકારક ન હોવાનું જણાવી તેનો ભોગ ગાંધીધામ આદિપુરની  જનતા બનતી  રહી છે. નાળાંનાં કામમાં થર્ડ પાર્ટી ઈન્સપેક્શન થયું છે કે શું? જો થયું છે  તો કામમાં આટલી બેદરકારી કેમ ? તેવા સવાલ ઉઠાવી નાળાંનાં કામના વર્કઓર્ડર આપવા મુખ્ય અધિકારી સમક્ષ માંગ કરાઈ છે. થર્ડ પાર્ટી ઈન્સપેક્શનની નકલ પણ આપવા માંગ કરાઈ છે. નાળાંઓની કામગીરીમાં ગેરંટી સમય કેટલો છે ? હજુ એક વર્ષ પહેલાં જ નાળાં બનાવાયાં હોવાથી  કોન્ટ્રાકટર પાસે જ યોગ્ય ગુણવત્તાયુક્ત  કામ કરાવી શકાય અથવા કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા, ડિપોઝિટ જપ્ત કરવા સહિતની આકરી કાર્યવાહી કરવા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી છે.  શહેરમાં ગંદાં   પાણીના ભરાવાના કારણે  મચ્છરજન્ય રોગ થવાનો ભય વધી  ગયો છે. ગત વર્ષે ડેંગ્યુના કારણે શહેરમાં હોસ્પિટલોમાં જગ્યા પણ ખાલી ન હતી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગ ભરડો લેશે તો હાલત ખરાબ થશે. જેથી આગોતરાં પગલાં લઈ ફોગિંગ, દવા છંટકાવની  કામગીરી તુરંત કરાવવા માંગ કરાઈ છે. આ વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, વિપક્ષી નેતા અજિત ચાવડા, જિલ્લા ઉપપ્રમુખ ચેતન જોશી, ઉપનેતા નીલેશ ભાનુશાલી, શહેર ઉપપ્રમુખ નીલેશ મહેતા, જિલ્લા કોંગ્રેસ ખજાનચી ભરત ગુપ્તા, શહેર મહામંત્રી લતીફ ખલીફા, ગોવિંદ દનીચા, ડિમ્પલ આચાર્ય, રાધાસિંગ ચૌધરી વિગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer