કંડલામાં ડીપીટી વર્કશોપ પાણી-પાણી

કંડલામાં ડીપીટી વર્કશોપ પાણી-પાણી
ગાંધીધામ, તા. 11 : છેલ્લા ત્રણ-ચાર દિવસથી કચ્છમાં ચોમાસું સક્રિય થયું છે ત્યારે અહીંના કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા ગત વર્ષે થયેલી રજૂઆત છતાં દીનદયાળ પોર્ટ?ટ્રસ્ટે બેદરકારી દાખવતાં કંડલા સ્થિત વર્કશોપ પાણી-પાણી થઈ ગયો હતો અને લાખોના સાધનો બરબાદ થઈ ગયા હોવાના આક્ષેપો કરાયા છે. સંગઠનના મહામંત્રી અને ડીપીટીના વરિષ્ઠ માજી ટ્રસ્ટી મનોહર બેલાણીએ જણાવ્યું હતું કે, ડીપીટી હસ્તકના આ વર્કશોપમાં  દર વર્ષે વરસાદમાં ચારે બાજુથી પાણીનું ગળતર થતું હોવાથી આ અંગે સંગઠન વારંવાર રજૂઆત કરતું આવ્યું છે. ડીપીટી પ્રશાસને પાણી લીકેજની આ ફરિયાદ પ્રત્યે તદ્દન લક્ષ નહીં આપતાં તાજેતરના વરસાદમાં આ વર્કશોપની સ્થિતિ ભારે કફોડી થઈ ગઈ હતી. આમ પણ કંડલા સ્થિત ડીપીટીની વિવિધ કચેરીઓમાં મકાનોની હાલત જર્જરિત છે અને છત કે દીવાલમાંથી પોપડા ઉખડવાની ઘટના નવી નથી પરંતુ વરસાદમાં થતી ચુવાકથી કામ ઉપર વિપરીત અરસ પડી રહી છે. વર્કશોપમાં વસાવાયેલા લાખોની કિંમતના વિવિધ સાધનો પાણીમાં પલળવાથી  બરબાદ થઈ જતા હોવાનું શ્રી બેલાણીએ જણાવ્યું હતું. હવે જો વર્કશોપમાં થતી ચુવાકનો મુદ્દો પ્રશાસન ગંભીરતાથી નહીં લે તો સંગઠન વધુ જલદ રીતે વાતને ઉઠાવશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer