હવે પચ્છમમાં રણતીડ દેખાતાં ગભરાટ ફેલાયો

ભુજ/સુમરાપોર, તા. 11 : છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના અલગ અલગ વિસ્તારમાં દેખાઇ રહેલા રણ તીડના ઝૂંડે ઉચાટ ફેલાવ્યો છે ત્યારે આજે સાંજના અરસામાં જિલ્લાની રણકાંધીએ આવેલા પચ્છમ વિસ્તારના ગામડાઓમાં મોટી સંખ્યામાં તીડના ઝૂંડ ઉડતાં જોવા મળતાં આ વિસ્તારના ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.પચ્છમના સુમરાપોરથી પ્રતિનિધિ મુસા સુમરાએ જણાવ્યું હતું કે, તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના `દેહ' તરીકે ઓળખાતા જામકુનરિયા, તુગાપટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં તીડના ઝૂંડના ધાડાં ઉતરતાં ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલે કાળા ડુંગરના આખા પટ્ટામાં મેઘરાજાએ મહેર કરતાં અનેક વનસ્પતિઓના ઝાડવાઓએ નવા કુંપળ કાઢીને નવી જિંદગીના મંડાણ કર્યાં છે તેમજ આ અવનવી વનસ્પતિના લીલા પાંદડા જોઇ પશુપાલકો રાજી બન્યા હતા. ત્યાં જ આ તીડના ટોળાં ઉતરી પડયાં છે. ભરાડીવાંઢના આખા પટ્ટામાં આવા અસંખ્ય તીડના ઝૂંડએ મોટાપાયે લીલોતરીનો સોથ વાળી નાખ્યો છે. હવે આ તીડએ કાળા ડુંગરથી નીચે ઉતરી જામકુનરિયાના સીમાડામાં પડાવ નાખતાં ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે તેમ જામકુનરિયાના યુવા અગ્રણી શેરામામદે જણાવ્યું હતું.એના પહેલાં કાળા ડુંગરના રણકાંધીના ઉત્તરાદા વિસ્તાર નીરવાંઢ, નરવિયરીવાંઢ, નુરડાઇવાંઢ વગેરે પંથકમાં પણ આવા તીડના ટોળાં પશુપાલકોએ જોયાં હતાં.આ તીડના ટોળાં પશુપાલકોએ ઉત્તર દિશાના રણ પટ્ટાથી પાકિસ્તાનની બાજુમાંથી આવતાં જોયાં હતાં. આમ, હવે આ તીડનો નાશ કરવા તંત્ર નક્કર પગલાં ભરે એવી વ્યાપક માંગ ઊઠી છે. અન્યથા આ તીડ?પચ્છમ વિસ્તારને કર્મભૂમિ બનાવી નાખશે અને મોટાપાયે ખેતીને નુકસાન થશે એવી ભીતિ સેવાઇ રહી છે.જ્યારે પચ્છમ વિસ્તારના તુગાના અગ્રણી હાજી રાયસલભાઇ નબાએ વિગતો આપતાં જણાવ્યું કે, આજે સાંજના સમયે પચ્છમ વિસ્તારના તુગા, જામકુનરિયા, રબવીરી સહિતના ગામોમાં હજારોની સંખ્યામાં તીડના ટોળાંઓ ખેતર વિસ્તારમાં ઉડાઉડ કરતાં જોવા મળતાં ક્યાંક આ રણ તીડ પાકને નુકસાન ન કરે તે માટે ખેડૂતોએ  આ તીડને ભગાડવા ભારે દોડધામ શરૂ?કરી દીધી હતી.શુક્રવારે ઘડુલી-સાંતલપુર રોડ પર આવેલા ભિટારા-ધોરડોના સફેદ રણ, હાજીપીર સહિતમાં તીડ દેખાયા બાદ આજે રણ તીડના ઝૂંડ આગળ વધી પચ્છમ વિસ્તારમાં દેખાતાં ખાસ કરીને સારા ચોમાસાની સ્થિતિમાં ક્યાંક આ રણ તીડ પાકનો સફાયો તો નહીં કરી નાખે ને તેવી ભીતિને લઇ ભારે ઉચાટ?જોવા મળ્યો હતો. કચ્છમાં રણ તીડ ત્રાટકવાની સંભાવના તો પહેલાંથી વ્યક્ત કરી દેવાઇ હતી, તેવામાં સરહદી લખપત બાદ હવે ભુજની રણકાંધીના ગામોમાં તીડની હાજરી જોવા મળી છે. તીડના આક્રમણને ખાળવા માટે તીડ?નિયંત્રણ કચેરી દ્વારા દવા છંટકાવ કરવા સહિતની કામગીરી છતાં રણ તીડના આક્રમણને અટકાવવામાં જોઇએ તેટલી અસરકારતા દેખાઇ નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer