સરકારી શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓમાં દેખાતી નીરસતા

ભુજ, તા. 11 : કચ્છની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું હોવા છતાં ધો. 1થી 9 અને 11માં પ્રવેશ મેળવવામાં વાલીઓની નીરસતા સામે આવી રહી છે. જેથી છાત્રોને તાત્કાલિક દાખલ કરાવવા જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિ દ્વારા શાળાના આચાર્યોને આવા પ્રવેશ મેળવેલ ન હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ દરેક વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે હજુ સુધી જો શાળામાં આપના બાળકે પ્રવેશ ન લીધો હોય તો તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો તેમજ સરકાર દ્વારા અપાતા પાઠયપુસ્તકો અને અન્ય સહાયમાં તેઓ વંચિત ન રહી જાય તે માટે નજીકની શાળામાં આચાર્યનો સંપર્ક કરવા જણાવાયું છે. કચ્છ જિલ્લામાં લોકોની એવી પ્રથા છે કે શાળાઓ શરૂ થઈ જાય વિદ્યાર્થીઓ શાળામાં જવા લાગે પછી જ પ્રવેશ લેવો એ માનસિકતામાંથી બહાર આવીને અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલે છે ત્યારે દરેક વાલી પોતાના બાળકોનો પ્રવેશ મેળવી અને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડે તેવી સૌને અપીલ કરવામાં આવી છે. શાળામાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીએ જવાને બદલે પરિવારમાંથી તેમના વાલીએ શાળામાં જવું એવી આ કોરોનાની પરિસ્થિતિમાં ખાસ અપીલ કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer