જિલ્લાની પ્રા.શાળામાં બાળકોને ઘેર જવાના બદલે વાલીઓને બોલાવાતા હોવાની રાવ

ભુજ, તા. 11 : કોરોના સંબંધી લોકડાઉનના પગલે સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ ક્ષેત્ર બન્યું છે, તેમાયે પ્રાથમિક શિક્ષણમાં ધો. 1માં હજુ અનેક વાલીઓએ બાળકોનો પ્રવેશ નથી મેળવ્યો તે મુદ્દે તંત્ર ચિંતિત છે તેવામાં બાળકોને ઘરોઘર પુસ્તક વિતરણ સહિતના શિક્ષકલક્ષી કામો પણ ખોરંભે ચડયાં છે. ગ્રામ્ય વિસ્તારના કેટલાક વાલીઓએ અહીં કરેલી ફરિયાદ મુજબ લાંબુ વેકેશન ભોગવ્યા પછી જાણે શિક્ષકોને ચડેલું આળસ હજુ ઉતર્યું ન હોય તેમ ઘેર ઘેર પુસ્તકોનું વિતરણ કરવાના બદલે વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવવામાં આવે છે, ઘણા વાલીઓને ધંધા ધાપા પડતા મૂકીને શાળાએ જવું પડે છે.અનાજ વિતરણ વખતે પણ શાળાએ બોલાવી લેવાયા હતા. મૂલ્યાંકન પરીક્ષામાં પણ જાણે વાલીઓ ભણતા હોય તેમ શાળાઓમાંથી શિક્ષકોના કહેણ આવે છે. જલ્દી આવી જાવ !અમુક વાલીઓએ કહ્યું હતું કે આમે અત્યારે શિક્ષકો પાસે શૈક્ષણિક પ્રવૃત્તિ નથી ત્યારે મોબાઇલ પર ઓનલાઇન રહીને સમય કાઢવા કરતાં સરકારી માર્ગદર્શિકા મુજબ પાલન થાય તે જોવાની સ્થાનિક શિક્ષણ સત્તાવાળાની ફરજ છે. પરંતુ આવું કોઇ નિરીક્ષણ થતું હોવાનું લાગતું નથી.ઘણી દુર્ગમ શાળાઓમાં શિક્ષકોએ અઠવાડિક ડયૂટી જાતે જ ગોઠવી લીધી છે અને કયાંક તો બે ચાર દિવસે એકાદ વાર શાળામાં શિક્ષકો લટાર મારતા હોવાની વ્યાપક ફરિયાદો જાણવા મળી છે.આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, પુસ્તક વિતરણ તો થઇ ગયું છે, તેમાં જો કોઇ વાલીને બોલાવાયા હશે તો તપાસ કરી પગલાં લેવામાં આવશે, જ્યારે અઠવાડિયામાં એકથી બે દિવસ આવતા શિક્ષકોની કોઇ ફરિયાદ આવશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે, તાજેતરમાં રાપર વિસ્તારની મુલાકાત દરમ્યાન આ બાબત ધ્યાને આવતાં નોટિસ આપવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer