રાયધણજર સીમમાં 37 લાખથી વધુની કિંમતના બેન્ટોનાઇટ ચોરી મામલે જુદીજુદી બે ફોજદારી

ભુજ, તા. 11 : ખનિજ તત્ત્વોની ચોરીના મામલે પોલીસને સાથે રાખીને ખાણખનિજ વિભાગ દ્વારા પખવાડિયા પૂર્વે હાથ ધરાયેલી તપાસણી દરમ્યાન જણાયેલી ગેરરીતિ સાથેની ખનિજચોરી મામલે હવે ફોજદારી ફરિયાદો દાખલ કરવાનું આરંભાયું છે. આજે અબડાસાના રાયધણજર ગામની સીમમાં ધરતીના પેટાળમાંથી ગેરકાયદે ખોદી કઢાયેલા રૂા. 37 લાખથી વધુની કિંમતના બેન્ટોનાઇટના મામલે ફોજદારી સંબંધિતો સામે દાખલ કરાવાઇ હતી. કોઠારા પોલીસ મથકમાં ભુજ સ્થિત ભૂસ્તરશાત્રીની કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર જિતેન્દ્ર રામજીભાઇ પટેલે આજે આ અલગઅલગ બે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં અબડાસાના રાયધણજર ગામના ખેરૂનીશા હાજી હાલેપોત્રા સામે જુદાજુદા બે સર્વે નંબરવાળી જમીનમાંથી કુલ્લ રૂા. 29.37 લાખની કિંમતનો 5517 ટન બેન્ટોનાઇટનો જથ્થો ગેરકાયદે કાઢવા સંબંધી ગુનો દાખલ કરાવાયો છે. તો રાયધણજરના સીમાડામાં જ જુદાજુદા બે સર્વે નંબરવાળી જમીનમાંથી રૂા. 8.82 લાખની કિંમતનો 906 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો અનધિકૃત રીતે ખોદીને કાઢવા મામલે રાયધણજરના તારાચંદ મૂળજી મહેશ્વરી તથા નુંધાતડના ઇમરાન સિદિક બાફણ, અકબર સિદિક બાફણ, ગફ્yર હુશેન હાજી પઢિયાર અને હનિફ જાકબ પઢિયાર સામે ફોજદારી દાખલ કરાવાઇ હતી. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ બન્ને ફોજદારી કેસમાં ખાણખનિજ ખાતાને સંલગ્ન વિવિધ કલમો લગાડી જવાબદારોની ધરપકડ કરવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ સૂત્રોએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે રાયધણજર ગામની સીમમાં સર્વે નંબર 146 અને 100/1 ખાતેથી લોડર ઉપરાંત આ જગ્યાએ પડેલો બેન્ટોનાઇટનો જથ્થો ગત તા. 12મી જૂનના પકડાયો હતો. આ પછી આ સંબંધી તપાસ ખાણખનિજ ખાતાને અપાતાં માપણી સહિતની કાર્યવાહી બાદ રાયધણજર અને નુંધાતડના પાંચ જવાબદારો સામે ગુનો દાખલ કરાવાયો હતો. જ્યારે રાયધણજર ગામના સર્વે નંબર 103 અને 138 ખાતે પોલીસદળની રેન્જ કચેરી અને સાયબર સેલ દ્વારા સંયુકત રીતે 5517 મેટ્રિક ટન બેન્ટોનાઇટ સંગ્રહ કરી રખાયાનું પકડી પાડયું હતું. આ બાબતે પણ ખાણખનિજ ખાતાને વાકેફ કરાયા બાદ જરૂરી તપાસ, મોજણી અને માપણી બાદ આજે અંતે રાયધણજરવાસી મહિલા સામે ગુનો નોંધાવાયો હતો. આ બન્ને કેસની ફરિયાદમાં નામજોગ બતાવાયેલા આરોપીઓ ઉપરાંત તપાસ દરમ્યાન જેમની સંડોવણી નીકળે તેમને પણ તહોમતદાર બતાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અબડાસા વિસ્તારમાં ખનિજ તત્ત્વોની તસ્કરી વધી હોવાની વ્યાપક ફરિયાદો અન્વયે પોલીસદળની સરહદ રેન્જના વડા સુભાષ ત્રિવેદીએ ખાસ ટુકડીઓ કામે લગાડી દિવસો સુધી ઓપરેશન કરાવ્યા હતા. પખવાડિયા પૂર્વે થયેલી આ કામગીરીને હવે ફોજદારી સ્વરૂપ આપવાનું શરૂ કરાતાં ફફળાટ ફેલાયો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer