ઈંગ્લેન્ડની વિન્ડિઝ પર સરસાઈ

સાઉથમ્પટન, તા. 11 : સાઉથમ્પટન ટેસ્ટના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈંગ્લેન્ડ સામે 318 રનનો સ્કોર કર્યો હતો. વિન્ડિઝ ટીમ તરફથી ક્રેગ બ્રેથવેટ અને શેન ડોવરિચે અર્ધસદી કરી હતી. જેના દમ ઉપર વિન્ડિઝની ટીમને 114 રનની સરસાઈ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. જ્યારે સિનિયર ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ત્રણ વિકેટ અને ડોમિનિક બેઝે બે વિકેટ લીધી હતી. મેચના ચોથા દિવસે રોરી બર્ન્સના 42 અને ડોમિનિક સિબલેના 50 રનની મદદથી ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિએ પહોંચ્યું હતું. તેમજ જોઈ ડેનલી અને ઝેક ક્રાવલી 20 અને 7 રને ક્રિઝ ઉપર હતા. ચોથા દિવસે ટી બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે 168 રન કર્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝ ઉપર 54 રનની સરસાઈ મેળવી લીધી હતી. ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટે 15 રન રહ્યો હતો. જ્યાંથી શરૂઆત કરતા રોરી બર્ન્સ અને ડોમિનિક સિબલે મજબૂત શરૂઆતનો પ્રયાસ કર્યો હતો. જો કે 72 રનના સ્કોરે બર્ન્સ આઉટ થયો હતો. ત્યારબાદ 113 રનના કુલ સ્કોરે સિબલેની વિકેટ પડી હતી. સિબલેએ 161 બોલમાં ટેસ્ટ કેરિયરની પહેલી અર્ધસદી કરી હતી.  ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ જોઈ ડેનલીના રૂપમાં પડી હતી. તે 29 રન કરીને આઉટ થયો હતો. આ અગાઉ ત્રીજા દિવસની શરૂઆત બ્રેથવેટની ઈનિંગથી થઈ હતી. વિન્ડિઝ ઓપનિંગ બેટ્સમેને 125 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 65 રનની ઈનિંગ રમી હતી. લંચ પહેલા જ બ્રેથવેટને આઉટ કરીને ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે સફળતા મેળવી હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝે સતત વિકેટો ગુમાવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer