વિમ્બલડન રદ છતાં 620 ખેલાડીને અપાશે 1.25 કરોડ ડોલર

નવી દિલ્હી, તા. 11 : કોરોના વાયરસ મહામારીના કારણે રદ હોવા છતાં પણ વિમ્બલડન 620 ખેલાડીઓને પુરસ્કારની રકમના રૂપમાં 1.25 કરોડ ડોલર આપશે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબ તરફથી આ ઘોષણા કરવામાં આવી હતી. વીમા કંપની સાથે ચર્ચા વિચારણા બાદ ક્લબના અધિકારીઓએ કહ્યું હતું કે, મુખ્ય ડ્રોમાં ભાગ લેનારા 256માંથી પ્રત્યેક ખેલાડીને 31,000 ડોલરની રકમ આપવામાં આવશે. 224 ખેલાડીઓ ક્વોલિફાઈંગમાં ભાગ લેવાના હતા તેઓને 15600 ડોલરની રકમ મળશે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના મુખ્ય કાર્યકારી રિચર્ડ લુઈસે કહ્યું હતું કે, ચેમ્પિયનશિપ રદ થયા બાદ તરત જ વિમ્બલડનના આયોજનમાં સહાયતા કરતા લોકોની મદદ કેવી રીતે કરી શકાશે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરી દેવામાં આવ્યું હતું. આ સાથે યુગલ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રત્યેક 120 ખેલાડીને 7800 ડોલર, વ્હીલચેર સ્પર્ધાના 16 ખેલાડીઓને 7500 ડોલર અને ચાર ખેલાડીઓની  વ્હીલચેર સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને 6200 ડોલર આપવામાં આવશે.  આ નિર્ણયની લોકો તરફથી ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટેનિસના ચાહકોએ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer