કોટેશ્વર વીજ ફીડર બંધ થઈ જતાં 18 ગામમાં છવાયો અંધારપટ

ભુજ, તા. 11 : અબડાસા, લખપત તથા કોટેશ્વરના ગ્રામીણ વિસ્તારના રસ્તાઓનું ધોધમાર વરસાદમાં ધોવાણ થતાં કોટેશ્વર ફીડર બંધ પડતાં પશ્ચિમ કચ્છના 18 ગામની જનતા વીજળીથી વંચિત બની ગઈ છે અને અંધારપટ છવાઈ ગયો છે.કચ્છમાં થયેલા વરસાદ પછી અબડાસા અને સમગ્ર પશ્ચિમ કચ્છમાં અનેક ગ્રામીણ વિસ્તારમાં જેમાં લખપત તાલુકાના ગામ ગુહર, પીપર, અબડાસા તાલુકાના તેરા-લખાણિયા રસ્તા, નખત્રણા તાલુકાન રામપર, સરવા, ખોંભડી, ગામોના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. સીંધોડીની પાપડીનું વરસાદી ધોવાણ થઈ ગયું છે. કોટેશ્વર ફીડર આ વરસાદી વાતાવરણને કારણે બંધ છે. જેના કારણે કપુરાશીથી મેડી સુધીના 18 ગામડાઓમાં વીજળી પુરવઠો બંધ હાલતમાં છે.ગ્રામીણ વિસ્તારમાં જતાં વીજ વાયરો ખૂબ જ હલકી ગુણવત્તાના હોવાના કારણે વરસાદી સિઝનમાં વીજ વહનમાં નિષ્ફળ ગયા છે. તંત્ર સત્વરે પગલાં લેશે નહીં તો ગ્રામીણ વિસ્તારની જનતાને અતિ ભારે આર્થિક તેમજ શારીરિક, માનસિક નુકસાની ભોગવવી પડશે તેવી ભીતિ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા પી.સી. ગઢવીએ વ્યક્ત કરી હતી.ગામની ઘઉં દળવાની જ્યાં ચક્કી જ બંધ પડેલી હોય ત્યાં ગ્રામીણ લોકો કઈ રીતે લોટ વિના નિર્વાહ ચલાવે ? તાત્કાલિક અસરથી વીજવાયરો, વીજ ફીડર તથા રસ્તાઓનું સમારકામ કરાવી ગ્રામીણ વિસ્તારની જનતાને થતી પારાવાર નુકસાની તથા મુશ્કેલીમાંથી બચાવવા યુદ્ધના ધોરણે તાત્કાલિક સમારકામ  કરાવવું ખૂબ જ જરૂરી છે તેવી જિલ્લા કલેકટરને તેમણે લેખિત ફરિયાદ કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer