રવાપરમાં નામ પૂરતું પી.એચ.સી., ડોક્ટર કે પૂરતો સ્ટાફ તો નથી

રવાપર (તા. નખત્રાણા), તા. 11 : છેલ્લા એક વર્ષથી અહીં અદ્યતન પી.એચ.સી.ના નિર્માણ બાદ હાલ સુધી માત્ર નામ પૂરતી એમ.બી.બી.એસ. ડોક્ટરની ભરતી કરી પુન: ડોક્ટરની બદલી કરાતાં તેમજ પૂરતા પ્રમાણમાં ટેકનિશિયન, વોર્ડબોય સહિતની 10 જેટલી સ્ટાફની ઘટના લીધે દવાખાનું શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યું છે. તા.પં. વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલે જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત કરતાં આ પ્રા.આરોગ્ય કેન્દ્રને લાયક બનાવવા જણાવ્યું હતું. હાઈવે વિસ્તારની અને 20 ગામોને જોડતા 25 હજાર લોકોને ઉપયોગી આ પી.એચ.સી.માં હાલે માત્ર ઓછા સ્ટાફના કારણે લોકોને મુશ્કેલી પડે છે. તો સાંજ પછી અકસ્માતે બનતા બનાવો સમયે સ્ટાફના અભાવે લોકોને જીવ ખોવાનો વારો આવે તે પૂર્વે તંત્ર દ્વારા એમ.બી.બી.એસ. ડોક્ટર મુકાયા બાદ માત્ર 1  મહિનામાં અહીંથી ખસેડાતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.આરોગ્ય વિભાગને પત્ર લખી અહીં કાયમી સ્ટાફની વ્યવસ્થા નહીં કરાય તો ના છૂટકે ગ્રામજનોને સાથે રાખી અને ગાંધીચીંધ્યા માર્ગ અપનાવાની જરૂર પડશે. તો તંત્ર વહેલી તકે કાર્યવાહી હાથ ધરે તેવી તેમણે માગણી કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer