આઈકાર્ડ ન હોવાથી અનેક સ્થળે સિનિયર પેન્શનરોની હાલત કફોડી

માંડવી, તા. 11 : લોકડાઉન દરમ્યાન માંડવી બોર્ડના પેન્શનર્સ તથા ફેમિલી પેન્શનરોને પડેલ મુશ્કેલી અંગે માંડવી બંદર નિવૃત્ત કર્મચારી સંઘના પ્રમુખ શિવજી ભુદા તથા મહામંત્રી એસ. એમ. દવે દ્વારા તાજેતરમાં બંદર અધિકારી શ્રી પટેલની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરાઈ હતી. ખાસ કરીને આઈ કાર્ડ ન હોવાને કારણે વૃધ્ધ અને અશકત સિનિયર પેન્શનરોને ઘર બહાર જવામાં, બેંકમાં કે ઓફિસકામથી આવવામાં મુશ્કેલી પડતી હતી. સુરક્ષા કર્મીઓ દ્વારા, ઓળખપત્રો કે આઈકાર્ડની માંગણી કરાતી જે ન હોવાથી કડક વલણ અપનાવાયું તથા વાદ વિવાદ પણ થતાં વાતાવરણ પણ ઉગ્ર બન્યું હતું. બેંકમાં પેન્શન ઉપાડવા કે વાર્ષિક હયાતીની ખરાઈ કરવા કે આવશ્યક વસ્તુની ખરીદી અને આરોગ્ય સારવાર માટે પણ મુશ્કેલી ઉભી થાય છે. વધુમાં મોંઘવારી વધતાં આર્થિક મુશ્કેલી પણ વધી છે. આ સમગ્ર બાબતે રજૂઆત કરતા શિવજીભાઈ દ્વારા વિગતવાર આધાર સાથે ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. પોર્ટ ઓફિસર દ્વારા જણાવાયું કે, ગાંધીનગર કચેરીના પેન્શન ટ્રસ્ટ ફંડ દ્વારા સૂચના અને નમૂનો અપાય તો તેઓ તરત જ આઈકાર્ડ છપાવી અને વિતરણ કરશે તેવી ખાતરી આપી હતી. હયાતીની વાર્ષિક ખરાઈ અંગે જણાવ્યું કે, હવે ઓફિસ પૂરા સ્ટાફ સાથે કાર્યરત હોઈ, દરેક પેન્શનર કચેરી સમયમાં આવીને નોંધ કરાવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. પેન્શનરોના 19 મહિનાના સાતમા પગારપંચની બાકી રકમ અંગે કહ્યું કે વડી કચેરીની સૂચના મળશે તો તાત્કાલિક રકમ ચૂકવી  અપાશે. પાંચ ટકા મોંઘવારીના એરિયર્સ જે છ માસના બાકી છે તે અંગે હજુ સુધી રાજ્ય સરકારના કોઈ હુકમ થયા ન હોઈ કશું થઈ શકે તેમ નથી.ઉપરોકત તમામ મુદે વડી કચેરીએ પણ રજૂઆત કરવા સૂચન કરાયું છે જે અંગે યુનિયન  દ્વારા લખાયેલ પત્રોની માહિતી અપાઈ હતી. તથા માંડવી ઓફિસ પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઈ હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer