ભુજ શહેરની કેટલીય બેંકોમાં સામાજિક અંતરનો ઊડતો છેદ

ભુજ, તા. 11 : કોરોનાની વધતી મહામારી સામે બાથ ભીડવા માટે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવાને મહત્ત્વનું હથિયાર ગણાવાયું છે ત્યારે શહેરની બેંકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાનાં દ્રશ્યો દેખાઇ રહ્યા છે. સામી બાજુ કેટલીક બેંકના જવાબદારો એવું કહી રહ્યા છે કે, ઉપભોકતાઓને વારંવાર વિનંતી કરવા છતાં તેમના તરફથી જોઇએ તેટલી માનવતા ન કેળવાતાં આ સ્થિતિનું સર્જન થયું છે.શહેરમાં આવેલી બેંકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ હોવાના દાવા વચ્ચે ઘણી ખરી બેંકોમાં પૈસાની લેવડ-દેવડ સહિતના કામ માટે આવતા લોકો જોઇએ તેટલી જાગૃતતાથી સામાજિક અંતર જાળવતું ન હોવાના કારણે કયારેક ભીડભાડભરી સ્થિતિનું સર્જન થતું હોય છે. કેટલીક બેંકોના જવાબદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવી વ્યવસ્થા નથી ગોઠવાઇ ત્યાં સ્થિતિ થોડી અરાજકતાભરી દેખાતી ચોક્કસથી નજરે પડી રહી છે.શહેરના એટીએમની વાત કરીએ તો દરેક એટીએમમાં ફરજિયાત સેનિટાઇઝર રાખવા સાથે સેનિટાઇઝેશન કરવાને અનિવાર્ય બનાવાયું હોવા છતાં કેટલાક સ્થળે જ એનો અમલ થઇ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. બેંકોમાં લોકોની આવન-જાવન વધુ પ્રમાણમાં રહેતી હોવાથી પૂરતી તકેદારી રાખવી જરૂરી બની ગયાનો મત પ્રવર્તી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer