અંજારની `અકસ્માત ચોકડી'' અંગે નિર્ણય લેવા ખાતરી મળી

અંજાર, તા.11 : ભૂકંપ બાદ ઔદ્યોગિક ક્રાંતિ બાદ શહેરના યોગેશ્વર ચોકડી પર દિવસ-રાત ભારે માલવાહક વાહનોની મુંદરા અદાણી પોર્ટના લીધે અવર-જવરના પગલે અહીં વખતોવખત જીવલેણ અકસ્માતો સર્જાતા હોવાથી આ ચોકડી `અકસ્માત ચોકડી' તરીકે પંકાઈ ગઈ છે. ત્યારે આ ચોકડીને બિનઅકસ્માત બનાવવા માટે અંતિમ જાહેરનામું બહાર પાડવા નગરપતિએ કલેક્ટરને રૂબરૂ આવેદન પાઠવી રજૂઆત કરતા કલેક્ટરે આ અંગે સહકાર આપી નિર્ણય લેવાની ખાતરી આપી છે. આ અંગે નગરપતિ રાજેશ ઠક્કરે કચ્છ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, મુંદરા અદાણી પોર્ટ જવા ભારે માલવાહક વાહનો ટ્રેઈલરોની રાત-દિવસ અવર જવર અંજાર શહેરના અંતરિયાળ સંવેદનશીલ ઝોન વિજયનગર યોગેશ્વર ચોકડીના પ્રશ્ન છે. અંજારમાં ભારે વાહનોને પસાર થવા પ્રતિબંધિત કરવા અંજાર નગરપાલિકા સાથે વિવિધ સંસ્થાઓ, અંજાર વિકાસ સમિતિ, અંજાર ચેમ્બર ઓફ કોમર્સ, જાગૃત નગરજનોએ સંબંધિતો સમક્ષ રજૂઆતો કરી હતી તેમજ પરિવહન માટે સરકાર દ્વારા અંજાર વિસ્તારના ધારાસભ્ય રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા અંગત રસ લેવાતા ગાંધીધામ વાયા ગળપાદર અંજારથી મુંદરા અદાણી પોર્ટને જોડતો નેશનલ હાઈવે બાયપાસ બારોબારનો યુદ્ધના ધોરણે બનાવવામાં આવ્યો હતો તેમજ અંજાર-મુંદરાના અંતરિયાળ જાહેર માર્ગને પ્રતિબંધિત કરવા પ્રાંત અધિકારીની દરખાસ્ત અન્વયે પ્રાથમિક જાહેરનામું ઘણા સમયથી બહાર પડાયા પછી કોઈ આગળની વહીવટી કાર્યવાહી સમય સંજોગો વચ્ચે કોઈ પણ કારણોસર જેમની તેમ પડી હતી. જેથી અમલવારીમાં પોલીસને મુશ્કેલીઓ થતી હોવાના કારણે હવે યોગેશ્વર ચોકડીને બિનઅકસ્માતિક બનાવવા અંતિમ જાહેરનામું બહાર પાડવાના પ્રાણપ્રશ્ને કચ્છ કલેક્ટરને રૂબરૂ મળી વિનંતી કરી હતી જે સંદર્ભે કચ્છ કલેક્ટરે નગરપતિને સહકાર આપી નિર્ણય લેવા ખાતરી આપી હોવાનું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer