લોકઆરોગ્ય માટે ઉત્તમ ઔષધીય વનસ્પતિનું ધમધમતું ઉદ્યાન

લોકઆરોગ્ય માટે ઉત્તમ ઔષધીય વનસ્પતિનું ધમધમતું ઉદ્યાન
કૌશલ પાંધી દ્વારા-  ભુજ, તા. 10 : વનસ્પતિના ઔષધીય ગુણો માનવી માટે ખૂબ જ ઉપયોગી છે. અલબત્ત, આ બાબતે લોકજાગૃતિ હજુ જોઇએ તેટલી નથી આવી, પરંતુ ધીરે ધીરે લોકો પણ હવે એ તરફ વિચારતા થયા છે અને વિવિધ ઔષધીય વનસ્પતિને ઘર-આંગણામાં વાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ જાગૃત લોકોને જોમ પૂરું પાડવા રેલડી ખાતે સરકારી આયુર્વેદ વનસ્પતિ ઉદ્યાન ખાતે 20થી 22 જાતની અલગ-અલગ ઔષધિના છોડનું નિ:શુલ્ક વિતરણ કરાય છે. જો કે, આ વાતથી હજુ મોટા ભાગના લોકો અજાણ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે એક માત્ર કેન્દ્ર કુકમા-રતનાલ હાઇવે પર સૈયદપર પાટિયા પાસે નાની રેલડી ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક અને ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ-ગાંધીનગર સંચાલિત સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન ખાતે 100 એકરની જમીન પર અલગ-અલગ જાતના રોપા ઊછેરી જૂન-જુલાઇ માસ દરમ્યાન નિ:શુલ્ક વિતરણ કરાય છે. આ સ્થળે સ્ટોકમાં હોય ત્યાં સુધી વ્યક્તિ દીઠ 20 અને શાળા કે સંસ્થાને 100 તેમજ ખેડૂતને 100થી વધુ રોપા અપાય છે. જેમાં સરગવો, તુલસી, અપરાજીતા, પથ્થરકૂટી, બહેડા, અરીઠા, હાડસાંકળ, લેમનગ્રાસ, મહેંદી, અશ્વગંધા, ડમરો, કુંવારપાઠું, વરધારો, ગળો, અરડૂસી, નગોડ, ચણોઠી, લજામણી, બ્રાહ્મી, અજમા પાન, આમળા, પોઇનો સમાવેશ થાય છે.આ અંગે ઉદ્યાન સંભાળતા  આયુર્વેદ ફાર્મસીમાં એમ.ફાર્મ. (ગોલ્ડમેડાલિસ્ટ) નિકુંજ ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે, મોટા ભાગની ઔષધિના નાના છોડ જ હોવાથી ઘરોમાં સામાન્ય માવજતે ઊછરી શકાય છે. દર વર્ષે થતાં આયોજન અંતર્ગત આ વર્ષે પણ 25000થી વધુ રોપા તૈયાર કરાયા હતા. જે છોડનો વધુ ઉપાડ હોય તો તે વધારે સંખ્યામાં ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત કચ્છના વાતાવરણને અનુરૂપ વનસ્પતિનો અહીં ઉછેર કરાય છે જેમાં ખાસ કરીને સોનાપુરી, અશ્વગંધા, કાલમેઘ, ગૂગળનું વાવેતર કરી તેનો કાચોમાલ રાજપીપળા સરકારી ફાર્મસીમાં મોકલાય છે અને ત્યાં દવા બનાવી લોકોને વિતરિત કરાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા રોપાનું વાવેતર કરવા પ્રોજેક્ટ પણ અપાય છે, જે અંતર્ગત ગત વર્ષે ગાઇડ સંસ્થા દ્વારા 25 હેક્ટરમાં 60 હજાર રોપાનું વાવેતર કરાયું હતું.  અલબત્ત આ વર્ષે પ્રોજેક્ટ નથી અપાયો, પરંતુ ઉદ્યાન ખાતે પાંચ હેકટરમાં ગૂગળનું વાવેતર કરાશે. જો કે, બોર્ડ દ્વારા જંગલ ખાતાને પ્રોજેકટ અપાયો છે. જેમાં ત્રણ લાખ ઔષધીય રોપા ભુજ, અંજાર, રાપર નર્સરીમાં ઉછેરે અને ત્યારબાદ લોકોમાં વિતરિત કરાય. હાલમાં ઉદ્યાન ખાતે ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામથી જાગૃત લોકો ઔષધીય વનસ્પતિ લેવા આવતા હોવાનું શ્રી ત્રિપાઠીએ જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer