નખત્રાણા નાયબ કલેક્ટરની અચાનક બદલીથી ચર્ચા

ભુજ, તા. 10 : નખત્રાણાના નાયબ કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડની આજે અચાનક બદલીનો હુકમ થતાં સમગ્ર વિસ્તારમાં તરહ-તરહની ચર્ચા થઈ રહી છે.પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે નખત્રાણાના નાયબ કલેક્ટર તરફથી અનેક વખત ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર ધોંસ બોલાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ચર્ચાય છે કે તાજેતરમાં નખત્રાણામાં ગેરકાયદે બની રહેલી બિલ્ડિંગ સામે કાર્યવાહી કરતાં જ અધિકારીને બદલીનો સ્વાદ ચાખવો પડયો હતો. કડક કાર્યવાહી કરનારા અધિકારીઓની હાલત પણ કંઈક આવી જ થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નિર્માણધીન ઈમારત શાસક પક્ષના જ કોઈ અગ્રણીની છે. જેની સામે પ્રાંત અધિકારીએ લાલઆંખ કરતાં તેમને દેવભૂમિ દ્વારકા ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે બદલવામાં આવ્યા છે. અચાનક એક માત્ર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની બદલી થઈ જતાં ચર્ચા જાગી છે. કચ્છના કલેક્ટરે આ બદલી થઈ હોવાને સમર્થન આપી કહ્યું કે, હજુ તેમના સ્થાને નખત્રાણામાં કોઈને મૂકવામાં આવ્યા નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer