નાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા

નાની સિંચાઇના 32, મધ્યમના પાંચ ડેમ છલકાયા
ભુજ, તા. 8 : અપર એર સાયક્લોનિક સકર્યુલેશનના પગલે થઇ રહેલી મેઘ મહેરના કારણે કચ્છના નાની સિંચાઇના 32 અને મધ્યમ કક્ષાના પાંચ ડેમ ઓવરફલો થયા છે, જ્યારે  નાની સિંચાઇના 66 અને મધ્યમ કક્ષાના 15 ડેમમાં નવાં નીર આવતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાથી કચ્છમાં પધારેલા મેઘરાજાએ સર્વત્ર મહેર કરતાં અનેક તળાવો-ડેમ છલકાવી દીધા છે, જેમાં નાની સિંચાઇના 170માંથી 32 ડેમ ઓગની ગયા છે, જ્યારે 66માં નવાં પાલર પાણી આવ્યાં છે. ગઇકાલે માંડવી, મુંદરા, અબડાસા, લખપત, રાપર અને નખત્રાણા તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે આ તાલુકાઓનાં મધ્યમ કક્ષાનાં પાંચ જળાશય ઓવરફ્લો થયાં છે. કચ્છમાં સૌથી મોટો અને 131.67 મીટરની સપાટી ધરાવતો કનકાવતી ડેમ પણ એક દિવસમાં છલકાઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જૂન માસથી કચ્છમાં શરૂ?થયેલા વરસાદ થકી અત્યાર સુધી માંડવી તાલુકામાં 24, મુંદરામાં 17, નખત્રાણામાં પોણા બાર, રાપર 11.5, અંજાર 11, ગાંધીધામ અને ભુજમાં 9-9, અબડાસા 6 અને લખપતમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમો ઓવરફ્લો થયા છે અને અમુકમાં નવાં નીરની આવક નોંધાઇ છે. જિલ્લા પંચાયત સિંચાઇ શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઓવરફલો થયેલા ડેમોમાં સૌથી વધુ માંડવી તાલુકાના વિજયસાગર, વાગોઠી, વેંગડી, દેઢિયા, ફરાદી, ગોધડિયા, દરશડી, માપર, ઘોડાલખ, વાંઢ, ગોણિયાસર, મમાય મોરા, ધોકડા અને લુડિયા, અબડાસામાં કડોલી, બાલાચોડ, બુરખાણ, બલવંત સાગર, સણોસરા અને નાની બેર, લખપતના ભેંખડો, કનોજ, મણિયારો, ગુહર, ભુજ તાલુકાના જામારા, વડઝર અને ચુનડી, મુંદરાના શીરઇ, ફાચરિયા તથા ગેલડા અને નખત્રાણાના ઝાલુ અને કોટડા (રોહા)નો સમાવેશ થાય છે. 32 ડેમ ઓગની જતાં તથા અન્ય ડેમોમાં નવાં નીર આવતાં સિંચાઇ માટેનો પ્રશ્ન ઉકેલાઇ જવાથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer