કોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી

કોરોના પોઝિટિવ પરિચારિકાએ 10 સગર્ભાને રસી આપી
ભુજ, તા. 8 : કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હવે બેવડી સદીને પાર કરી ગઇ છે ત્યારે વહીવટી તંત્રની બેદરકારીના ગંભીર કિસ્સા બહાર આવી રહ્યા છે. બે દિવસ પહેલાં રાપરના ખાનગી તબીબ પોઝિટિવ હોવા છતાં કોઇની સૂચના વગર ઘેર જવા દેવાયા હતા, તો અબડાસાના મોટી બેરના મહિલા આરોગ્ય કર્મચારી કિરણબેન ઝાલા સોમવારે કોરોના પોઝિટિવ આવ્યાં છતાં વિગતો છુપાવવામાં આવી છે. સૌથી મોટી ગંભીર ભૂલ તો એ છે કે આ આરોગ્ય કર્મચારી 10 ગર્ભવતી મહિલાઓની રસીકરણ કામગીરીમાં જોડાયેલા હતા. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અત્યારે કોરોના મહામારી કચ્છમાં ગંભીર વળાંક લે છે ત્યારે કોઇ?પોઝિટિવ દર્દીનું નામ આવે છે તો સામાન્ય માણસ ગભરાઇ જાય છે, એવામાં દર્દીઓની સારવાર કરવાની જવાબદારી જેમના શિરે છે એ આરોગ્ય કર્મચારી બીમારીમાં સપડાતા જતાં એક મોટી ચિંતાનું કારણ બને છે. ખરેખર કોઇ પોઝિટિવ વ્યક્તિ હોય તો તેની જાણ કે જાહેરાત કરી દેવાથી જે તે વિસ્તારના લોકો કોઇ સંપર્કમાં આવ્યા હોય તો બહાર આવી શકે અને બીજા નાગરિકો પણ ચેતી જાય,આ એક હકારાત્મક પાસું છે.પરંતુ અબડાસાના મોટી બેરના પરિચારિકા કિરણબેનને સોમવારે કોરોના પોઝિટિવ આવ્યો છે છતાં ત્રણ દિવસથી જિલ્લા પંચાયત તંત્ર તરફથી ઓળખ છુપાવવામાં આવી છે. રોજેરોજના દર્દીઓનાં નામ મોડી સાંજે જાહેર કરવામાં આવે છે પરંતુ ત્રણ દિવસથી આ મહિલા આરોગ્ય કર્મચારી છે તે યાદીમાં દર્શાવાયું નથી. મળેલી માહિતી પ્રમાણે આ મહિલા કર્મચારી બેર તથા આસપાસમાં 10 સગર્ભામહિલાઓને રસીકરણ કામગીરીમાં જોડાયેલા હતા. ખુદ તંત્રને પણ જાણ છે એટલે તો આ દશે દશ ગર્ભવતી ત્રીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવી છે. મોટી બેરની પ્રાથમિક શાળામાં આ તમામ મહિલાઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. શાળાની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખુદ મોટી બેરના સરપંચ મામદભાઇ જતનો સંપર્ક સાધતાં તેમણે પણ આખાય કિસ્સાને સમર્થન આપ્યું હતું. સૂત્રોએ તો એવી માહિતી આપી હતી કે આ મહિલા કર્મચારી પોતાને કોરોના છે કે નહીં તેનું પરીક્ષણ કરાવ્યા પછી હજુ રિપોર્ટ આવે એ પહેલાં તો રસીકરણ?કામમાં જોડાયેલા રહ્યા  હતા. આ અત્યંત ગંભીર બાબત ગણાવાઇ હતી.તો જે પ્રાથમિક શાળામાં આ સગર્ભા મહિલાઓને સંપર્કથી દૂર રાખવામાં આવી છે ત્યાં બે દિવસથી વરસાદના કારણે ઓરડામાં છતમાંથી પાણી ટપકી રહ્યું હોવાની માહિતી મળતાં પોલીસ તંત્ર?તરફથી પ્લાસ્ટિક કે પાથરણાની વ્યવસ્થા કરવામાં આવી હતી.દરમ્યાન, ડી.ડી.ઓ. પ્રભવ જોષીને પૂછતાં તેમણે કહ્યું કે, અમે કોઇનું નામ છુપાવતા નથી. અગાઉ આ મહિલાનું નામ જાહેર કરાયું છે પણ તે આરોગ્ય કર્મચારી છે તે ઉલ્લેખ નથી એ સાચી વાત છે. તો અબડાસા તાલુકા આરોગ્ય અધિકારી ડો. એમ. કે. સિંઘનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કિરણબેન સાંઘીમાં જ્યારે સેમ્પલ લેવા ગયા હતા ત્યારે કોઇનો ચેપ લાગી ગયો હશે. અને ત્યાર પછી તેઓ રસીકરણ કરતી ટીમમાં હતા એટલે સગર્ભા બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. સંભવત: ચેપ લાગી શકે છે એટલે અગમચેતીના ભાગરૂપે તમામને અલગ રાખવામાં આવ્યા છે. પોઝિટિવ આવેલા કિરણબેને રસીકરણ કર્યું નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer