મજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી

મજબૂત મનોબળથી ખોખરાના આધેડ પૂર્વ સરપંચે કોરોનાને મ્હાત આપી
ભુજ, તા. 8 : તમારામાં કોઇપણ રોગ સામે લડવા માટે મનોબળ મજબૂત હોય તો ગમે તેવા જોખમી દર્દને મ્હાત આપી  શકાય છે, તો પછી કોરોનાની કોઇ વિસાત જ  નથી. એ હકીકતને અંજાર તાલુકાના ખોખરા ગામના 60 વર્ષીય પૂર્વ સરપંચે ચરિતાર્થ કરી કોરોના સામે 37 દિવસનો જંગ ખેલી મહામારીને પરાસ્ત કરી છે. અંજાર તાલુકાના ખોખરા ગામના ભરતસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને 1લી જૂને જી. કે. કોવિડ-19માં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સાથે ડાયાબિટીસ, બી.પી., શ્વાસ ચઢવા સહિત કોરોનાના તમામ લક્ષણો હતા જ. આમ રોગોની ભરમાર અને કોરોના વચ્ચે દર્દી તબીબો માટે પડકાર બની ગયા હતા. પરંતુ તબીબો કસોટીની એરણ ઉપર ચઢે તે પહેલાં જ દર્દીએ જાતે જ સકારાત્મક પ્રતિભાવ આપવાનું શરુ કરી દીધું. અનેક દર્દો વચ્ચે પણ જાણે તેમને કશું જ થયું નથી એવી માનસિકતા મજબૂત કરી લીધી હતી. પરિણામે તબીબો માટે કાઉન્સેલિંગનું કામ સરળ થઇ ગયું હતું. હોસ્પિટલના સ્ટાફ સાથે ઘર જેવું  જ વાતાવરણ ઊભું કરી તેમણે 9મી જૂને 60મો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. હોસ્પિટલના ફિઝિશિયન અને રેસિ. ડો. રૂબી પટેલે કહ્યું કે, દર્દીને પ્રારંભમાં શ્વાસની તકલીફને કારણે બાયપેપ ઉપર રાખ્યા પછી 30મી જૂન પછી ઓક્સિજનની સાથે આઇએમસીઆરની માર્ગદર્શિકા મુજબ સારવાર ચાલુ રાખી. આ સારવારમાં દર્દીના સકારાત્મક અભિગમે સોનામાં સુગંધનું કામ કર્યું. છેવટે 37 દિવસની ડોકટરની મહેનતે કોરોનાને હરાવ્યો. વિદાય ટાંકણે તેમણે હોસ્પિટલની સારવાર-સહકારનો આભાર માન્યો હોવાનું સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે જણાવ્યું હતું. ફિઝિશિયન ડો. દીપક બલદાનિયા, ડો. નિરાલી ત્રિવેદી, ડો. જયંત સથવારા, ડો. યેશા ચૌહાણ, ડો. ક્રિશ જીવાણી, ડો. દીપ ઠક્કર, ડો. ચંદન ચૂડાસમા, ડો. ખ્યાતિ તેમજ ડો. પૂજા કુમાંકિયા સારવારમાં જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer