ખાનગી શાળાઓ દ્વારા ફી બાબતે ફરી મેસેજ કરાતાં વાલીઓ નારાજ

ભુજ, તા. 8 : કોરોના મહામારીના કારણે ગત માર્ચ માસથી સર્જાયેલાં લોકડાઉન બાદ સમગ્ર શિક્ષણતંત્ર ઠપ પડયું હોવા છતાં કચ્છની ખાનગી શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતાં વાલીઓમાં આશ્ચર્ય સાથે નારાજગી ફેલાઇ છે. વાલીઓ દ્વારા કચ્છમિત્ર સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ શહેરનાં જાણીતાં ખાનગી કન્યા વિદ્યાલય દ્વારા વાલીઓને ત્રિમાસિક શાળા ફી અને સત્ર ફી ભરી જવા સોશિયલ મીડિયા મારફતે મેસેજ કરવામાં આવ્યા છે. આ બાબતે વાલીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ ગત માર્ચ મહિનાથી શિક્ષણકાર્ય ઠપ થઇ ગયું છે. તેમ અમુક વાલીઓની આર્થિક સ્થિતિ પણ ખરાબ હોવા છતાં ખાનગી શાળાઓ ગયા વર્ષ મુજબ જ ફી માગી રહી છે. ખરેખર તો જૂનથી ઓગસ્ટની ફીમાં માફી અપાવી જોઇએ તેના બદલે શિક્ષણતંત્રે ફી મુદ્દે કોઇ સ્પષ્ટતા ન કરતાં ખાનગી શાળાઓને ઓનલાઇન શિક્ષણના નામે છૂટો દોર મળી ગયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer