કચ્છમાં હવે છૂટાછવાયાં ઝાપટાં વરસશે : હવામાન વિભાગનો વર્તારો

ભુજ, તા. 8 : છેલ્લા બે દિવસથી કચ્છના દસેય તાલુકામાં ચારથી લઇ 12 ઇંચ સુધીનો વરસાદ વરસાવનારી લોપ્રેશર સિસ્ટમ હવે કચ્છથી દૂર સરકી છે, જેનાં પગલે વરસાદની તીવ્રતામાં ઘટાડો થવા સાથે આગામી ચાર દિવસ સુધી માત્ર હળવાં વરસાદી ઝાપટાં વરસાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસની સાર્વત્રિક મેઘમહેર બાદઆજે જિલ્લાના કેટલા વિસ્તારમાં સવારના ભાગે છુટાછવાયાં ઝાપટાં પડયાં તેને બાદ કરતાં વરાપનો માહોલ રહેવા સાથે બપોર પછી કેટલાક વિસ્તારમાં સૂર્યનારાયણનાં પણ દર્શન થયાં હતાં. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી અનુસાર આજે સાંજે છ વાગ્યા સુધીમાં લખપતમાં 23 મિ.મી., અંજારમાં 6 મિ.મી., નખત્રાણામાં 2 મિ.મી., ભુજમાં 4 મિ.મી. અને અબડાસામાં 1 મિ.મી. વરસાદની નોંધ થઇ હતી. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં 10થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવા સાથે ભેજયુક્ત વાતાવરણના લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer