દૂર-દૂર વસતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગુરુવંદના કરી

આણંદપર(તા. નખત્રાણા), તા. 8 : નખત્રાણા તાલુકાના કોટડા(રોહા) ગામની શેઠ નાગજી વિશ્રામ હાઇસ્કૂલના પૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડતો ઓનલાઇન ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ બે દાયકા અગાઉના સંસ્મરણો યાદ કર્યા હતા તો નિવૃત્ત શિક્ષકાએઁ પણ ભાવવિભોર બની શુભાશિષ પાઠવ્યા હતા. કચ્છ જનજાગૃતિ અભિયાન સંસ્થાના કાર્યકર દિનેશભાઇ વિસરિયાના નેજા હેઠળ યોજાયેલા ઓનલાઇન ગુરુવંદના કાર્યક્રમમાં દેશ-દેશાવરમાં વસતા પૂર્વ વિદ્યાર્થીઓ-શિક્ષકો જોડાયા હતા.નોવેલ કોરોના વાયરસના પગલે રૂબરૂ મળવાનું શક્ય ન બનતાં કચ્છ અને મુંબઇને જોડતો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. ઓનલાઇન ગુરુવંદના કાર્યક્રમના પ્રારંભે દીકરી ઝીલ ગડાએ ગુરુ મહત્ત્વના સુભાષિત રજૂ કર્યા હતા. જ્યારે મૂલચંદભાઇ?દેઢિયાએ રજૂ કરેલી પ્રાર્થનામાં સૌ સહભાગી બન્યા હતા. કાર્યક્રમમાં પ્રારંભે સરલાબેન વોરાએ જીવનમાં દરેક કલામાં પારંગત કરનારા ગુરુનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, જીવનનું ચિત્ર નહીં પણ જીવનચરિત્ર બદલાવે તે ગુરુ. તેમણે પોતાની વાત સાથે જીવનના સંસ્મરણો યાદ કર્યા હતા. કોટડા (રોહા)ના પૂર્વ સી.આર.સી. અને શ્રેષ્ઠ શિક્ષક રમેશભાઇ?રોશિયાએ ઓનલાઇન ગુરુવંદના કાર્યક્રમના આયોજનને બિરદાવી ભારતીય સંસ્કૃતિ મુજબ જીવનમાં ગુરુનું અનેરું મહત્ત્વ હોવાની વાત કહી હતી.સોમાભાઇ પટેલે વતનથી ઓનલાઇન જોડાઇ અઢી દાયકા અગાઉના વિદ્યાર્થીઓને મળી રાજીપો વ્યક્ત કર્યો હતો. વયોવૃદ્ધ શિક્ષિકા બહેનો રતનબેન નાગડા અને ત્રિવેણીબેન કોઠારીએ જીવનના આઠ દાયકા બાદ પણ વિદ્યાર્થીઓની વચ્ચે રહી વાત કરવા આ અવસરને રૂડો અવસર ગણાવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓના જ્ઞાન ગુરુ બની જીવન ઘડતર કરનારા નિવૃત્ત શિક્ષકો પ્રવીણભાઇ દવે, સુરેશભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ ચોથાણી, પ્રતાપભાઇ વ્યાસ,મણિભાઇ પ્રજાપતિ, જોઇતાભાઇ પટેલ, ઝવેરબેન શાહ અને શંભુલાલ મોતા સહિતના શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમમાં બોરિવલીથી 97 વર્ષીય ઓચ્છવલાલ વ્યાસે શુભાશિષ આપ્યા હતા. કેનેડાથી હાલમાં જ દેશમાં પરત આવેલા એન.આર.આઇ. પૂર્વ શિક્ષક કરસનભાઇ પટેલ જોડાયા હતા.કાર્યક્રમમાં હૈદરાબાદથી વિરેનભાઇ ગાલાએ છબીલાલ દવેના કાર્યોને યાદ કર્યા હતા. દીપકભાઇ વિસરિયા સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer