ભુજમાં સમાધાન માટે બોલાવી, માર મારી, દવા પીવડાવી દેવાઇ : મોબાઇલ ચીલઝડપ કરનારે કર્યો હુમલો

ભુજ, તા. 8 : શહેરમાં સમાધાન માટે ઘરે બોલાવાયા બાદ તાલુકાના સુખપર ગામના શકિતસિંહ રઘુભા ઝાલા (ઉ.વ. 40)ને માર મારીને બળજબરી સાથે કોઇ ઝેરી દવા તેને પીવડાવાઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. તો બીજીબાજુ શહેરમાં જ ભરચક વિસ્તારમાં ધોરાવર (પચ્છમ)ના અલ્લારખા નાથાભાઇ સમા (ઉ.વ.38)ના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચીલઝડપ કરવાની કોશિશ કરનારા મૂળ સૌરાષ્ટ્રના મોરબીના ગોપી કિશોર ડાભીને પકડી લેવાતાં તેણે આ ધોરાવરવાસી યુવાનને માર માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે શહેરમાં જ અન્ય એક કુટુંબીઓ વચ્ચેની હુમલા અને તોડફોડ સહિતની હુલ્લડ જેવી ઘટનામાં પાણી પુરવઠા બોર્ડના કર્મચારી બાબુભાઇ કાનજી મહેશ્વરી (ઉ.વ.57) અને તેમના પુત્રવધૂ નિર્મલાબેન હિતેશ મહેશ્વરી (ઉ.વ.30) જખ્મી થયાં હતાં.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજમાં સહયોગ નગર ખાતે આજે સવારે સુખપર ગામના શકિતાસિંહ ઝાલાને માર મારીને તેને દવા પીવડાવવાનો કિસ્સો બન્યો હતો. ભોગ બનનારને તેના માસીના દીકરા માનકૂવા ગામના અજતાસિંહ ગોડજી જાડેજાએ અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હોસ્પિટલમાં પોલીસ સમક્ષ લખાવાયેલી પ્રાથમિક કેફિયત મુજબ ભોગ બનનારા શકિતાસિંહને મૂળ ભુજ તાલુકાના ઝુરા ગામના સપનાબા જાડેજાના ઘરે સમાધાન માટે બોલાવાયો હતો. જયાં સપનાબા અને એક અજાણ્યા શખ્સે સાથે મળી તેને માર મારી દવા પીવડાવી હતી. પોલીસે પ્રકરણમાં આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. બીજીબાજુ ભુજમાં જ વાણિયાવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસેના વિસ્તારમાં મોબાઇલની ચીલઝડપના મામલે હુમલા સહિતની ભાગદોડવાળી ઘટના આજે મધ્યાહને બની હતી. પોતાના કાકા અબ્દુલ્લા કાના સમા સાથે ખરીદી માટે ધોરાવર (ખાવડા)થી ભુજ આવેલા અલ્લારખા સમાના શર્ટના ખિસ્સામાંથી એક શખ્સે મોબાઇલ ફોનની ચીલઝડપ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અલ્લારખાને ધક્કો મારીને ભાગ્યો હતો, પણ પીછો કરીને તેને પકડી લેવાયો હતો. આ શખ્સનું નામ પૂછતાં તે મોરબીનો ગોપી ડાભી હોવાનું ખુલ્યું હતું. બનાવ બાબતે પોલીસને જાણ થતાં સ્ટાફના સભ્યો આવીને આરોપીને પકડી ગયા હતા. બાદમાં તહોમતદાર સામે ભોગ બનનારની ફરિયાદના આધારે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન ભુજમાં જ સંસ્કાર નગર વિસ્તારમાં અબ્બાસઅલી પીરની દરગાહ પાસે ગાયત્રી કોલોની ખાતે કુટુંબીઓ વચ્ચેની કાર વિશેની તકરારમાં થયેલા હુમલામાં પાણી પુરવઠા બોર્ડના કર્મચારી બાબુભાઇ કાનજી મહેશ્વરી (ઉ.વ.57) અને તેમના પુત્રવધૂ નિર્મલાબેન હિતેશ મહેશ્વરી (ઉ.વ.30) ઘવાયાં હતાં. આ પ્રકરણમાં વારાફરતી બેવાર બનેલી હુમલાની ઘટના સાથે બે ઘરમાં અને કારમાં તોડફોડ સહિતની હુલ્લડ જેવી હરકતોને અંજામ અપાયો હતો. બાબુભાઇ અને નિર્મલાબેનને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયાં હતાં.પોલીસે આપેલી માહિતી મુજબ કાનજીભાઇએ તેમના ઘરે આવીને હુમલો કરવા બાબતે તેમના મોટાભાઇ મગનભાઇના બે પુત્ર વાલજી અને પ્રકાશ સામે વિધિવત ગુનો દાખલ કરાવ્યો હતો. જયારે આ હુમલા બાદ પંદરેક મિનિટ બાદ સર્જાયેલી તોડફોડ સાથેની હુમલાની ઘટના બાબતે નિર્મલાબેન સંજોટે ગંગાબેન નાનજી, ભારતી નવીન મહેશ્વરી, વાલબાઇ મગન અને વાલબાઇના દોહિત્ર કારા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ આરોપીઓએ ફરિયાદી તથા તેના કાકાજી સસરા ઉમરશી કાનજી મહેશ્વરીના ઘરમાં જઇને તોડફોડ કરી હતી તો ઘર પાસે પડેલી સ્વીફટ કાર અને બાઇકમાં પણ નુકસાન કર્યું હતું તેવું ફરિયાદમાં લખાવાયું છે. ઘર પાસે પાર્કિંગની જગ્યા ન હોવાથી પાણી પુરવઠાની કચેરીએ રખાયેલી કાર કચેરીના અધિકારીએ ત્યાંથી ખસેડાવતાં તે સંબંધી માથાકૂટમાં આ સમગ્ર બબાલ થયાનું ફરિયાદમાં લખાવાયું છે. એ. ડિવિઝન પોલીસે જુદાજુદા બે ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer