કોડાય ચાર રસ્તા અને પાલારા આત્મહત્યા કેસમાં બે મહિલાને આગોતરા-જામીન

ભુજ, તા. 8 : માંડવી તાલુકામાં કોડાય ચાર રસ્તા પાસેના મહાવીરનગરમાં બનેલા અર્પણાબેન રોહન મોતા તથા ભુજ તાલુકામાં પાલારા સ્થિત શિવાલય સંકુલમાં લીલાવંતીબેન શંભુગર ગુંસાઇના આપઘાત કેસમાં મહિલા આરોપી અનુક્રમે હેમલતાબેન ખીમજીભાઇ મોતા અને રૂક્ષ્મણીબેન બુદ્ધગર ગુંસાઇને અદાલતે આગોતરા અને નિયમિત જામીન ઉપર મુકત કર્યા હતા.અર્પણાબેનની આત્મહત્યાના કેસમાં તેમના સાસુ હેમલતાબેનમોતા માટે ભુજમાં અધિક સેશન્સ જજ પી.એસ.ગઢવીની કોર્ટ સમક્ષ આગોતરા મંગાયા હતા. સુનાવણી દરમ્યાન પ્રથમ દર્શનીય ભૂમિકા ન જણાતી હોવાનું તારણ કાઢી સામાજીક જવાબદારીને અનુલક્ષીને કોર્ટએ આગોતરા મંજૂર કરતો આદેશ કર્યો હતો. જયારે પાલારા સ્થિત શિવાલયે આત્મહત્યા કરનાર લીલાવંતીબેનના કિસ્સામાં તેમના સાસુ રૂક્ષ્મણીબેન ગુંસાઇને ઉંમર અને સંજોગોને ધ્યાને લઇને અધિક સેશન્સ કોર્ટ દ્વારા નિયમિત જામીન અપાયા હતા. આ બન્ને કેસમાં મહિલા આરોપીઓ વતી વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ અને ચિન્મય એચ. આચાર્ય રહયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer