ભુજમાં રોયલ્ટી ભર્યા વગરની ટ્રક ઝડપી પડાઇ : કુનરિયા નદીમાંથી રેતી ભરાઇ

ભુજ, તા. 8 : શહેરની ભાગોળે ખાવડા રોડ ઉપર ભારતીય વાયુદળના સંકુલના દરવાજા સામેના રોડ ઉપરથી પોલીસે રોયલ્ટી ભર્યા વગરની રેતી ભરેલી ટાટા એસ. મોડેલની ટ્રક ઝડપી પાડી હતી. આ રેતી કુનરિયા ગામની નદીમાંથી ભરાઇ હોવાનું બહાર આવ્યું છે.  પોલીસદળે જારી કરેલી યાદી મુજબ ભુજ શહેર બી. ડિવિઝન મથકના ઇન્સ્પેકટર એસ.વી. વસાવા અને સ્ટાફના સભ્યોએ સહાયક ફોજદાર નિરૂભા ઝાલાને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરીને જી.જે.-09-ઝેડ-4995 નંબરની રેતી ભરેલી આ ટ્રક ઝડપી હતી. ચાલક સેડાતા (ભુજ)ના ઓસમાણ આદમ રાઠોડ પાસે રેતીના કોઇ આધારો ન હોવાથી પોલીસે ટ્રકને કબજે લઇ ચાલકની અટક કરી હતી.આ રેતી કુનરિયા ગામની નદીના છેલામાંથી રેતી ભરાઇ હોવાની ચાલકે વિગતો આપી છે. પોલીસ દ્વારા ખાણખનિજ ખાતાને જાણ કરવામાં આવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer