ડીપીટી સાથે કરાર છતાં ગાંધીધામની શાળા પ્રવેશ ન આપતી હોવાની રાવ

ગાંધીધામ, તા. 8 : શહેરની ખાનગી એવી માઉન્ટ કાર્મેલ શાળા દ્વારા નિયત કવોટાની જોગવાઇ છતાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના કામદારોના બાળકોને પ્રવેશ ન અપાતાં આ અંગે શાળામાં તથા ડી.પી.ટી. ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. ખાનગી એવી આ શાળા બનવાની હતી ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટે જે-તે વખતે સસ્તા ભાવે આ શાળાના સંચાલકોને જમીનની ફાળવણી કરી હતી. જે-તે વખતે શાળા અને પોર્ટ ટ્રસ્ટ વચ્ચે સમજૂતી થઇ હતી કે શાળાના દરેક વર્ગમાં 10 ટકા લેખે ડીપીટીના કર્મચારીઓના બાળકોને પ્રવેશ અપાશે. શાળાના સંચાલકો આ મુખ્ય વાતને ભૂલી ગયા છે અથવા જાણીજોઇને આ વાતને ભૂલાવી દેવામાં આવે છે અને ડીપીટીના કર્મીઓના બાળકોને પ્રવેશ માટે ધરાર ના પાડી દેવામાં આવે છે. ભૂતકાળમાં પણ આજ મુદ્દો ઊઠયો હતો. જે-તે વખતે પણ શાળાના સંચાલકોને લેખિતમાં જાણ કરવામાં આવી છે, પરંતુ સંચાલકોને આ મુદ્દે કંઇ પડી  જ નથી. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ આ મુદ્દા અંગે શાળાના આચાર્યને પત્ર પાઠવી અગાઉની સમજૂતી પ્રમાણે ડીપીટીના કર્મીઓના બાળકોને પ્રવેશ આપવા ભારપૂર્વક જણાવ્યું છે તેમજ ડીપીટીના ચેરમેનનું પણ આ અંગે લેખિતમાં ધ્યાન દોરવામાં  આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer