14 પોઝિટિવ કેસ સાથે કોરોનાની કચ્છમાં બેવડી સદી

14 પોઝિટિવ કેસ સાથે કોરોનાની કચ્છમાં બેવડી સદી
ભુજ, તા. 7 : દેશ અને રાજ્ય સાથે કચ્છમાં પણ કોરોના ફૂંફાડો મારી રહ્યો હોય તેમ આજે એકસામટા 14 પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. 14 કેસ સાથે જિલ્લમાં કોરોના પોઝિટિવ કેસનો આંક બેવડી સદીના આંકને પાર થયો છે. વરસાદી માહોલમાં કોરોનાનું સંક્રમણ વધુ વકરે તેવી ભીતિ પણ વ્યકત કરવામાં  આવી રહી છે. અબડાસાનું સાંઘીપુરમ જાણે કે કોરોનાનું હોટસ્પોટ બન્યું હોય તેમ સોમવારે છ બાદ આજે વધુ સાત કેસ નોંધાતાં ઔદ્યોગિક વસાહતમાં ઉચાટનો માહોલ સર્જાયો છે.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જારી કરેલી સત્તાવાર યાદી અનુસાર અબડાસાના સાંઘીપુરમની બાવા કોલોનીમાં આજે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ એ વ્યકિતઓ છે કે જેઓ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવાનના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા છે.આજે નોંધાયેલા કેસમાં  પરવેઝ અલાની ખારીદહુસેન, મનોહર પી.કે., પ્રવીણ જોડ, આદિનાથ  શિવાજી ધુમલ, મોહંમદ જાવેદ અહમદ, મહોંમદ હૈદર, શંકર સાના મુંડલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો  વર્માનગરની જીએમડીસી કોલોનીમાં રહેતા પરવીનબાનુ ઝહીરઅલી મકરાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પતિ પણ અગાઉ કોરોનામાં સપડાઇ મોતને ભેટી ચૂક્યા છે, તો વર્માનગરની જ  જીએમડીસી -જેએફસીએમ કોલોનીમાં રહેતા હિતેન્દ્રભાઇ ધનજીભાઇ ભટ્ટી અને રાહુલ હિતેન્દ્ર ભટ્ટી નામના પિતા-પુત્ર સંક્રમિત થયા છે. બંને પિતા-પુત્રને કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાનું જાહેર કરાયું છે. એ જ રીતે નખત્રાણા તાલુકાના  નિરોણા ગામે શનિવારે મુંબઇથી આવેલા માતા-પુત્ર કોરોનામાં સપડાયા છે. આજે પરિવારના વડા એવા સંજય ગજરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પત્ની-પુત્રના સંપર્કમાં આવવાથી તેઓ સંક્રમિત થયા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. માંડવી તાલુકાના નાની ખાખરનો વિશાલ વેદાંત નામનો યુવક પણ કોરોનામાં સપડાયો છે. સુરતમાં નોકરી કરતો આ યુવક ત્યાંથી પરત ફર્યા બાદ શરદી-ઉધરસના શંકાસ્પદ લક્ષણો સાથે ભુજ જી.કે.માં દાખલ કરાયો હતો. પોઝિટિવ કેસના પગલે  તલવાણા આરોગ્ય કેન્દ્રના ડો. અમીષીબેન સંઘવી, સરપંચ થાવર મોથારિયા, પીઆઇ મૂળરાજ ગઢવી, અશ્વિન ગઢવી સહિતે તકેદારીનાં પગલાં ભરવાની કામગીરી હાથ ધરી હતી. તો મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દદામાપરના વૃદ્ધા લક્ષ્મીબેન ભાનુશાલી અને મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા બેચર ભચુ છેડાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ જિલ્લામાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 210 પર પહોંચ્યો છે. તેમાં 74 કેસ એક્ટિવ છે. અત્યાર સુધી આ મહામારીના લીધે 9 લોકોના મોત નીપજી ચૂક્યા છે. પૂર્વ કચ્છમાં  વરસાદી માહોલ વચ્ચે આજે  ભચાઉ તાલુકામાં  વધુ એક કોરોનાનો કેસ બહાર આવ્યો હતો. ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘના જણાવ્યા પ્રમાણે મનફરામાં રહેતા 69 વર્ષીય બેચર ભચુ છેડા મુંબઈથી  મનફરા આવ્યા હતા. ગત તા. 4ના તેમની તબિયત બગડતાં તેમને વધુ સારવાર માટે ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કોરોનાના લક્ષણો જણાતાં સેમ્પલ લેવાયું હતું. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની તજવીજ ચાલુ છે.  
    11 દર્દીએ કોરોનાને મ્હાત આપી  આજે 11 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સાજા થયેલા દર્દીઓમાં ભરતસિંહ જાડેજા, રાજકુમાર, દેવાસિંહ વિશ્વાસ, ગોપીલાલ નારાયણલાલ, સાધલ રોય, વિનોદ શર્મા, રાકેશસિંહ ડીમરી અને પ્રકાશ ચૌધરી ઉપરાંત ત્રણ આર્મી જવાન અને 1 ક્રૂ મેમ્બરને ભાવભેર રજા અપાઇ હતી. સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 127 પર પહોંચી છે. 
    જુલાઇના પહેલા સપ્તાહમાં નોંધાયા 46 કેસ  છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ કચ્છમાં પોતાનો સકંજો મજબૂત રીતે કસ્યો હોય તેમ જુલાઇના પહેલા અઠવાડિયામાં  જિલ્લામાં કારોનાના 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. વળી એકલ-દોકલના નહીં મોટા ભાગના વિસ્તારમાં કેસો નોંધાઇ રહ્યા હોવાના કારણે સહેજ ઉચાટે દેખાઇ રહ્યો છે.મેમાં 74 અને જૂનમાં 82 કેસ નોંધાયા બાદ જુલાઇમાં આરંભિક ગતિ જોતાં કેસનું  પ્રમાણ અગાઉના બે માસ કરતાં વધે તેવી પૂરી સંભાવના છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer