લખપત તા.માં ત્રણ દિવસમાં બે ઇંચ વરસાદ; અનેક ઇંચ પરેશાની

લખપત તા.માં ત્રણ દિવસમાં બે ઇંચ વરસાદ; અનેક ઇંચ પરેશાની
વિશ્વનાથ જોશી દ્વારા-  દયાપર (તા. લખપત), તા. 7 : તાલુકામાં શનિવારથી ત્રણ?દિવસ ઝરમર-ઝાપટાં સ્વરૂપે બે ઇંચ વરસાદ પડયો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલ ખૂલી ગઇ હતી. સમગ્ર તાલુકામાં 10 જેટલા વીજ ફીડરો બંધ થઇ ગયા, સંદેશાવ્યવહાર પણ એક દિવસ બંધ?થયો અને ખુદ મામલતદાર કચેરીમાં આવેલો વરસાદી આંકડા માટે મહત્ત્વનો ફોન નંબર પણ ઠપ થઇ ગયો હતો. તાલુકામાં શનિવારના પડેલા વરસાદ પછી વીજ પુરવઠો મોટાભાગમાં ખોરવાઇ?ગયો હતો. પવન સાથે પડેલા વરસાદ થકી નરા, મુધાન, કોટેશ્વર વિસ્તારમાં વીજ થાંભલા પડી જતાં વીજતંત્રની ટીમો કામે લાગી હતી. હાલમાં આ 10 ફીડરોને ચાલુ કરી દેવાયાં છે. દુર્ગમ ગામડાઓમાં જ્યાં વધારે નુકસાન છે ત્યાં પણ?કામગીરી ચાલુ હોવાનું પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર શ્રી પટેલે જણાવ્યું હતું. દયાપરમાં પણ વીજ પુરવઠો લો વોલ્ટેજની સમસ્યા નવી ડી.પી. નાખવાથી પૂર્વવત થઇ જશે તેવું કહ્યું હતું. બીજીબાજુ તીર્થધામ નારાયણસરોવરમાં છેલ્લા 15 દિવસથી વીજપુરવઠો અનિયમિત રહેતાં રહેવાસીઓ ત્રસ્ત થયા છે. આ ગામને અલગ ફીડર આપવા ગ્રા.પં.ના સરપંચ સુરૂભા જાડેજાએ ઘણા સમય પહેલાં માગણી કરેલી છે, પણ હજુ કોટેશ્વર ફીડરથી અલગ ન થતાં વીજપુરવઠો વારંવાર ખોરવાય છે. ખરેખર અહીં 66 કે.વી. સબસ્ટેશનથી સ્પેશિયલ લાઇન લઇ તીર્થધામની સમસ્યા હલ કરવી જોઇએ. આ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણસરોવર-કોટેશ્વરમાં વરસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે તેને અલગ ફીડર મળે તો વીજ પ્રશ્ન કાયમી હલ થઇ શકે. તાલુકામાં ગઇકાલે ઇન્ટરનેટ, મોબાઇલ, ટેલિફોન ડબલા બધું અચાનક બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. `જીઓ'ના બે ટાવર બંધ?થઇ?ગયા હતા. વરસાદના આંકડા જાણવા કંટ્રોલરૂમનો ટેલિફોન બંધ?થતાં છેક ભુજ ફરિયાદ કરાઇ હતી. લખપત તાલુકામાં આજે સાંજે મેઘરાજાએ પુન:?ધમાકેદાર આગમન કરતાં પાનધ્રો વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું તા.પં.ના પૂર્વ કારોબારી ચેરમેન દેશુભા જાડેજાએ જણાવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાના મુખ્યમથક દયાપર ખાતે આજે આખો દિવસ સામાન્ય ઝરમર ઝાપટાં ચાલુ રહ્યા હતા. કંટ્રોલરૂમમાં મોસમનો કુલ વરસાદ 51 મિ.મી. નોંધાયો છે ત્યારે આજે રાત્રે ગોરંભાયેલા આકાશ સામે ખેડૂતો, પશુપાલકો મીટ માંડી રહ્યા છે. જો કે, સાંજનોમાહોલ બદલાયો છે. આકાશમાં વાદળાઓની જમાવટ, કામાઉ પવન (વાયવ્યથી પવન આવે) આ બધા લક્ષણો ભારે વરસાદ માટે પૂરતાં છે ત્યારે વધુ વરસાદ પડશે તેવી આશા જાગી છે. સોમવારે પડેલા વરસાદમાં હિંગોરજા જાકબ કાસમ (અટડા)ના વાડી વિસ્તારમાં ડેલા પર પતરાં ઊડી જતાં તેમાં રાખેલો 20 બોરી ગુવારનો જથ્થો પલળી ગયો હતો. તાલકુના મુખ્યમથક દયાપર ખાતે આજ સાંજ સુધી 60 મિ.મી. વરસાદ નોંધાતાં અગાઉનો 51 મિ.મી. અને આજનો 9 મિ.મી. વરસાદ થયો હતો. જો કે, વરસાદ પડશે તેવો માહોલ દેખાતાં ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી તો અમુક ખેડૂતો પોતાના ટ્રેક્ટર, ઓજાર, વાવણી સાધનો તૈયાર કરી ખેતરે પહોંચ્યા હતા. કારણ કે શન-રવિના એક ઇંચ વરસાદમાં વાવણી થઇ?શકે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. એકબાજુ વરસાદની મોસમ વચ્ચે આજે તાલુકાના સરહદી ગામડાઓમાં કરોડોની સંખ્યામાં તીડ દેખાતાં લોકોમાં ભીતિ ફેલાઇ હતી. મુધાનના પૂર્વ સરપંચ સુરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુધાનની ચારેકોર સીમમાં કરોડોની સંખ્યામાં તીડ છે. આ સફેદ કલરના તીડ આજે જ દેખાયાં છે. વાવણીની હજુ તૈયારી કરી હતી ત્યાં જ તીડ?દેખાતાં ખેડૂતોએ વાવણી કાર્ય ઠપ કરી દીધું છે. આ તીડ જી-પીલર 1175થી ગુનેરી, સાંયરા, અટડા, સિયોત, મુધાન, લાખાપર સુધી છે. તેથી 20થી 30 કિ.મી.ના એરિયામાં આ તીડની સંખ્યા બહુ મોટી છે. ખેતીવાડીના વિસ્તરણ અધિકારી સુરેશભાઇ?ડાભીએ આજે નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે ખેતીવાડી ખાતાની ટીમો અહીં ઉતરશે તેવી શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.હાલમાં આ વિસ્તારમાં વાવણી નહિવત્ છે, પરંતુ લીલી ઝાડીઓ, પાંદડાઓ, વનસ્પતિનો આ તીડ સોથ વાળી દેશે ત્યારે તેમના પર ખેતીવાડી વિભાગ દ્વારા જલ્દી નિયંત્રણ કરાય તેવી ખેડૂતોએ માગણી કરી છે. લખપત તા.ના વાયોરથી પ્રતિનિધિ કિશોરસિંહ જાડેજાના જણાવ્યાનુસાર વાયોર વિસ્તારમાં બપોર 12 વાગ્યાથી ધીમીધારે વરસતો વરસાદ સાંજના 7 વાગ્યા સુધી અવિરત ચાલુ રહેતાં લોકોમાં ખુશી પ્રસરી છે. વાયોર, ઉકીર, વાગોઠ, ચરોપડી મોટી-નાની, મોહાડી, ભારાવાંઢ, છસરા, સુખપર, કેરવાંઢ, કોષા, લૈયારી, ઐડા, જંગડિયા, ગોયલા, મોખરા, વલસરા, ફુલાય, વાઘાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ખારઇ, સાંઘી, અલ્ટ્રાટેક, એ.બી.જી., મોટીબેર, રામવાડા, અકરી, કરમટા વગેરે ગામોમાં સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ ચાલુ છે. અંદાજિત ત્રણ?ઇંચ જેટલો વરસાદ થઇ ગયો હશે. લખપત તાલુકામાં મોડીસાંજ બાદ શરૂ?થયેલા મેઘાએ રાત્રે સાડા આઠ વાગ્યા સુધી એક ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. દયાપર, ઘડુલી, ફુલરા, વિરાણી, ધારેશી, દોલતપર, બીટિયારી, સુભાષપર, માતાના મઢ આમ લખપત તાલુકાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાના વાવડ સાંપડી રહ્યા છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer