ગાંધીધામમાં પોલીસને હુક્કાબારના વિવિધ સાધનો સહિત 1.76 લાખનો માલ મળ્યો

ગાંધીધામમાં પોલીસને હુક્કાબારના વિવિધ સાધનો સહિત 1.76 લાખનો માલ મળ્યો
ગાંધીધામ, તા.7 :શહેરના ટાગોર રોડ ઉપર એચપી પેટ્રોલ પમ્પ નજીક એક કારમાંથી એલસીબીએ  હુક્કાબારના સાધનો વગેરે મળીને કુલ રૂા. 1,76,060નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. આ માલ કોને આપવાનો હતો તે હજુ બહાર આવ્યું નથી. સ્થાનિક ગુનાશોધક શાખા પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ભચાઉ બાજુથી બ્રેઝા કારમાં  શંકાસ્પદ માલ ભરી બે શખ્સો ગાંધીધામ બાજુ આવતા હોવાની પૂર્વ બાતમી મળી હતી. પોલીસે ટાગોર રોડ ઉપર એચ.પી. પેટ્રોલ પમ્પ પાસે વોચ ગોઠવતાં ટાગોર રોડ થઇને બ્રેઝા કાર નંબર જી.જે. 12 ડી.એસ.-3197 બેન્કિંગ સર્કલ બાજુ વળી હતી. દરમ્યાન આ કારને પોલીસેરોકાવી હતી. તેમાં  શંકાસ્પદ માલ જણાતાં ગુરુકુળ વિસ્તારમાં રહેતા મહેશકુમાર નારાણદાસ મગનાણી તથા વિનોદ ભગવાનદાસ વરલાણી (રહે. ટીસીએક્સએસ-93)ની ધરપકડ કરવામાં આવી હતી.આ કારમાંથી અલગ-અલગ પ્રકારના  હુક્કા સેટ નંગ-6, અલગ-અલગ કંપનીના ચારકોલ (કોલસો) પેકેટ નંગ-204, અલગ અલગ કંપનીના સ્વાદ (ફ્લેવર)ના પેકેટ નંગ-800, હુક્કા પીવાના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની પાલપ નંગ-18, હુક્કા પીવાના ઉપયોગમાં લેવાતી નાની ભૂંગળીઓ નંગ-124, માટીના કોડિયા નંગ-40, ઇલેકટ્રીક સગડી નંગ-3, એમ કુલ રૂા. 1,76,060નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહેશ મગનાણીની ગુરુકુળ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ મથકની નજીક પાનની દુકાન આવેલી છે. અમદાવાદથી બિલ કે આધાર-પુરાવા વગર આ માલ ખરીદી કરી આ શખ્સ પોતાની દુકાનમાં રાખી તેનું વેચાણ કરતો હતો. આ બંને શખ્સો પાસેથી માલની હેરફેર માટે વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ સંકુલમાં અમુક જગ્યાએ હુક્કાબાર પણ ધમધમી રહ્યા છે. તો પાનની અમુક દુકાનોમાં નશીલા પદાર્થો પણ મળી રહ્યા છે, જેના રવાડે ચડી યુવાનો, કિશોરો પોતાનું જીવન ખતમ કરી રહ્યા છે ત્યારે આવી જગ્યાઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer