અબડાસા બેઠક માટે લખપત તાલુકાને તક આપવા કોંગ્રેસ કાર્યકરોની રજૂઆત

અબડાસા બેઠક માટે લખપત તાલુકાને તક આપવા કોંગ્રેસ કાર્યકરોની રજૂઆત
દયાપર, (તા. લખપત) તા. 7 : અબડાસા વિધાનસભા બેઠકની આવનારી ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે કોંગ્રેસ નિરીક્ષકોએ વર્માનગર ખાતે આગેવાનો-કાર્યકરો સાથે મળી વ્યકિતગત રજૂઆતો સાંભળી હતી અને ઉમેદવાર માટે 6 જણના બાયોડેટા પણ લેવાયા હતા. અબડાસા બેઠકના નિરીક્ષક ડો. સી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, `વચન ચૂકયા ચોર્યાસીમાં જાય' લોકો એ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્યના પક્ષપલટાનો બદલો ચૂંટણીમાં લેશે અને પુન: કોંગ્રેસનો વિજય થશે. પ્રવકતા જયરાજસિંહ પરમારે કેન્દ્ર સરકાર પર ચાબખા મારતાં કહ્યું હતું કે, સ્વ. ઇંદિરા ગાંધીને હજુ લોકો યાદ કરે છે. રાહુલ ગાંધી સુધીની પેઢીઓ લોકોને યાદ છે.  બેઠકમાં અગ્રણીઓ પી. સી. ગઢવી, જશવંતભાઇ પટેલ,  હાસમભાઇ નોતિયાર વિગેરેએ વકતવ્યો આપ્યાં હતાં. નખત્રાણા, અબડાસા પછી લખપતમાં નિરીક્ષણ માટે આવેલી ટીમે 6 આગેવાનો પાસેથી બાયોડેટા મેળવ્યા હતા અને તેમની રજૂઆતો, કામગીરી વિગેરે ધ્યાનથી સાંભળી હતી અને રણનીતિ ઘડવા નક્કી કર્યું હતું. બીજીબાજુ કોંગ્રેસના કાર્યકરોમાં લખપત તાલુકાના વતની અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પી. સી. ગઢવી તરફ વધુ જોક વાળવા એકત્રિત થઇ રજૂઆત કરાઈ હતી. અબડાસા વિધાનસભાની બેઠક પર હજુ સુધી એક પણ લખપત તાલુકાના ઉમેદવારને તક મળી નથી ત્યારે હવે આ પછાત તાલુકાના ઉમેદવારને ધારાસભ્ય બેઠક માટે તક મળે તેવી પણ જોરશોરથી માંગ કરાઇ હતી. આ બેઠકમાં તા. પં.ના પૂર્વ કારોબારી ચેરમેન કેશુભા જાડેજા, જિ. પં. પૂર્વ સદસ્ય પુંજુભા જાડેજા, લખપત તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ જેતમાલજી જાડેજા, તા. પં. પૂર્વ પ્રમુખ અલીમામદ જત, ડી. એમ. ગઢવી, મામદ જુંગ જત, આરબ મલેક  જત તથા સમરથદાન ગઢવી તેમજ જિલ્લાના અબડાસા, લખપત, નખત્રાણાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જબ્બરદાન ગઢવીએ કર્યું હતું.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer