માંડવીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી પુન: શરૂ કરો

માંડવીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી પુન: શરૂ કરો
કાઠડા (તા. માંડવી), તા. 7 : અનેક રજૂઆતોના લીધે ઘણા વર્ષો બાદ માંડવીમા એ.પી.એમ.સી. ખાતે સી.સી.આઇ. દ્વારા ટેકાના ભાવે ખરીદી તથા રજિસ્ટ્રેશન શરૂ કરાયું જેના માટે 800 ખેડૂતે નોંધણી કરાવી હતી અને તા. 20-6 સુધી 300 ખેડૂત પાસેથી જથ્થો ખરીદી લેવાયો, પરંતુ વરસાદ શરૂ થતાં જ આ ખરીદી પંદર દિવસમા બંધ કરી દેવાતાં ફરીથી શરૂ કરાય તેવી માંગ સાથે માંડવી કિસાનસંઘ પ્રમુખ પુરુસોત્તમભાઇ પોકાર સહિત ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. 500 રહી ગયેલા ખેડૂતોનું કપાસ વહેલી તકે ખરીદી કરાય તેવી માંગ સાથે પાક વીમો, નર્મદાનું પાણી કચ્છને વહેલી તકે આપો તેવી માંગ પણ કરાઇ હતી. એ.પી.એમ.સી. માંડવીના ચેરમેન પ્રવીણભાઇ વેલાણીનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ખરીદી ચાલુ હતી તે દરમિયાન વરસાદ શરૂ થઇ જતાં ખરીદી કરેલ જથ્થામાંથી અમુક માલ ભીંજાયો હતો, જેના લીધે હાલમાં ખરીદી બંધ કરાઇ છે. પરંતુ વાતાવરણ ખુલ્લું થતાં જ પુન: કપાસની ખરીદી શરૂ કરી દેવાશે જેના માટે સીસીઆઇના અધિકારીઓને પણ જાણ કરી દેવાઇ છે. હાલમાં વાતાવરણ અને વરસાદની આગાહીના લીધે જ ખરીદી બંધ રખાઇ છે. જો વરસાદ ચાલુ હોવાથી ખરીદી કરવી હોય તો તેની સંગ્રહની વ્યવસ્થા હોવી જોઇએ, નહીં તો ખરીદી કરતાં નુકસાન વધારે થાય તેવી પરિસ્થિતિ હોવાથી ખરીદી બંધ કરાઇ હોવાનું જણાવ્યું  હતું. સી.સી.આઇ.ના અધિકારીનો સંપર્ક કરતાં તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer