ભુજના એસ.ટી.વર્કશોપ પાસે એસ.ટી. બસની ટક્કરથી વીજપોલ ધ્વસ્ત થતાં વીજળી ડુલ

ભુજના એસ.ટી.વર્કશોપ પાસે એસ.ટી. બસની ટક્કરથી વીજપોલ ધ્વસ્ત થતાં વીજળી ડુલ
ભુજ, તા. 7 : શહેરના યોગીરાજ પાર્કની સામે એસ.ટી. વર્કશોપ નજીક બસની અડફેટે વીજ પોલ તૂટતાં આસપાસના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ લાઇટનો પોલ બસની ટક્કરથી ધ્વસ્ત થયો હતો. ભુજમાં જ્યારથી બસ સ્ટેશન મંગલમ નજીક શરૂ થયું છે ત્યારથી આ વિસ્તારમાં એક બાદ એક સમસ્યાઓ માથું ઊંચકી રહી છે જેને પગલે આસપાસના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આજે યોગીરાજ પાર્ક સામે આવેલાં એસ.ટી. વર્કશોપ નજીક જ વીજ પોલ બસની ટક્કરથી તૂટી વાયરોના સહારે જોખમી હાલતમાં અદ્ધર જ લટકી રહયો હતો. પોલ તૂટતાં આસપાસના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતાં લોકો અકળાઇ ઊઠયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મંગલમ પાસે રોડલાઇટનો થાંભલો બસની અડફેટે ચડયો હતો. આ વિસ્તારમાં વાહનોની સતત અવર-જવર રહેતી હોવાથી આવા બનાવોના પગલે લોકોમાં ચિંતા જાગી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer