ગાંધીધામમાં ગટર-પાણીની લાઇનનાં કામોએ વરસાદમાં સર્જી આફત : અનેક વાહનો ફસાયાં

ગાંધીધામમાં ગટર-પાણીની લાઇનનાં કામોએ વરસાદમાં સર્જી આફત : અનેક વાહનો ફસાયાં
ગાંધીધામ, તા. 7 : આ શહેર અને સંકુલમાં પાલિકાના ઠેકેદારો દ્વારા ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે, તો જીયુડીસી દ્વારા પણ આંતરિક માર્ગની વચ્ચોવચ્ચ ગટરની લાઇન નાખવામાં આવી છે. આવા ખાડાઓ ઉપર માટી બરોબર ન નખાતાં વરસાદને લઇને અનેક જગ્યાએ વાહનો ફસાઇ જવાનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ શહેર અને સંકુલમાં અનેક જગ્યાએ પાલિકાનાં વિકાસનાં કામ ચાલુ છે. સુંદરપુરી પાણીનાં પાણીના ટાંકાથી મહેશ્વરીનગર ચાર રસ્તા સુધી ધણી માતંગ રોડ ઉપર ખાનગી ઠેકેદાર દ્વારા પાણીની લાઇન નાખવામાં આવી રહી  છે. આ લાઇન માટે ખોદાતા ખાડાની માટી રોડ ઉપર નાખી દેવાતાં અડધો રોડ બંધ થઇ ગયો છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેમજ બીજી બાજુ જીયુડીસીના ઠેકેદાર દ્વારા આંતરિક માર્ગની વચ્ચોવચ્ચ ગટરની મોટી લાઇન બેસાડી દેવાતાં આ માર્ગ વાહનો માટે બંધ થઇ ગયો છે. જ્યાં આ લાઇન નખાઇ છે તેવી અનેક જગ્યાએ આજે વરસાદનાં કારણે વાહનો ફસાઇ જવાનાં દૃશ્યો સર્જાયાં હતાં. અમુક જગ્યાએ અકસ્માતો પણ સર્જાયા હતા. ખાડા ખોદીને યોગ્ય રીતે પૂરતી માત્રામાં માટી નાખી તેને દબાવાતી ન હોવાનાં કારણે લોકોને આવી હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે અડધાં અને અપૂરતાં કામ કરનારા ઠેકેદારોને કાળી યાદીમાં નાખી દેવા જોઇએ, તેવું જાગૃત લોકો જણાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer