મધ્યમ સિંચાઇના ચાર ડેમ ઓવરફ્લો, 10થી વધુ ગામોને એલર્ટ રહેવા જાણ કરાઇ

ભુજ, તા. 7 : કચ્છમાં મધ્યમ સિંચાઇના ચાર ડેમ ઓગની ચૂક્યા છે જ્યારે એક જળાશય છલકાવવાની તૈયારીમાં છે. બીજી બાજુ   ચાર ડેમના હેઠવાસના ગામોને એલર્ટ રહેવા સિંચાઇ વિભાગે તાકીદ કરી છે. સિંચાઇ વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાપર તાલુકાના  ફતેહગઢ અને  મુંદરા તાલુકાનો  કારઘોઘા ડેમ પણ ઓગની ગયા છે. તો અબડાસાનો કનકાવતી, માંડવી તા.નો ડોણ પણ?ઓગની ગયો હોવાના મોડી રાત્રે હેવાલ મળ્યા છે. તો લખપત તાલુકાનું  ગોધાતડ જળાશય ઓગનવાની તૈયારીમાં છે. કચ્છના 20 મધ્યમ ડેમમાંથી ચાર છલકાઇ ગયા તો બાકીના તૈયારીમાં છે. બીજી બાજુ ભારે વરસાદ  ચાલુ છે ને ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. આવા સંજોગોમાં હેઠવાસના 10થી વધુ ગામોને એલર્ટ રહેવા તાકીદ અપાઇ છે.કચ્છના સિંચાઇ વિભાગના ફ્લડ સેલે રાજ્યના ફ્લડ કન્ટ્રોલરૂમને જણાવ્યું છે કે, મુંદરા તાલુકાનો કારાઘોઘા ડેમ તેની સપાટી લેવલથી વધુ ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમના હેઠવાસના  બરાયા, મોટા કપાયા, ધ્રબ, સમાઘોઘા, નાના કપાયા, બોરાણા, વાડી વિસ્તારને સાવધ રહેવા જણાવાયું છે. એ જ રીતે દયાપરના  ક્ષાર અંકુશ વિભાગે લખપતના નાયબ કલેક્ટર, મામલતદારને લેખિતમાં જાણ કરી છે કે, ગોધાતડ ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં  કૈયારી, કપુરાશી, કોરિયાણીના લોકોને નદી પટમાં  નહીં જવા અને સાવધ રહેવું પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer