સમાઘોઘામાં એ.ટી.એમ. કક્ષમાં તોડફોડ સાથે ચોરીનો વ્યવસ્થિત ઢબે પ્રયાસ

ભુજ, તા. 7 : મુંદરા તાલુકાના સમાઘોઘા ગામે કાર્યરત એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ. ખાતે વ્યવસ્થિત ઢબે ચોરીનો પ્રયાસ થતાં ભારે સનસનાટી મચી ગઇ છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઇ મતા ચોરાઇ ન હતી. આ કિસ્સામાં ગંભીર પરિબળો એ સામે આવ્યાં હતાં કે તસ્કરીનો પ્રયાસ કરનારા કોઇ હરામખોરો બરાબરની રેકી કરીને આવ્યા હોય તેમ તેમણે એ.ટી.એમ. કક્ષ ખાતે લાગેલા સી.સી. ટી.વી. કેમેરા ઉપર કોથળો નાખીને તેને નિક્રિય કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તત્ત્વોએ કક્ષમાં તોડફોડ પણ મચાવી હતી. પરંતુ તેઓ રૂપિયા હસ્તગત કરવામાં સફળ થયા ન હતા.મુંદરા પોલીસનાં સાધનોએ આપેલી માહિતી મુજબ એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.ની સલામતીની સમગ્ર જિલ્લામાં જવાબદારી સંભાળતી  બોપારઇસ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુરેશ રણમલ ફફલ (રે. મુંદરા) દ્વારા ચોરીના આ પ્રયાસ બાબતે આજે વિધિવત ફરિયાદ દાખલ કરાવાઇ હતી. તસ્કરોનું લક્ષ્ય બનેલું ખાનગી બેન્કનું આ એ.ટી.એમ. સમાઘોઘા ગામે જિન્દાલ કંપની સાવિત્રી વિહાર કોલોની ખાતે આવેલું છે. ગત રાત્રે એકબાજુ વીજળી પુરવઠો ગુલ થઇ જતાં અને કક્ષમાં વરસાદી પાણી પણ ટપકતું હોવાથી ફરજ ઉપરનો સલામતી રક્ષક ઘરે ચાલ્યો ગયો હતો ત્યારે પાછળથી આ સમગ્ર ઘટના બની હતી. તસ્કરોએ સી.સી. ટી.વી. કેમેરા ઉપર કોથળો નાખી તેને નિક્રિય કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તેમની અમુક હરકતો કેમેરામાં કેદ થઇ ચૂકી છે. જેના આધારે પોલીસે પગેરું દબાવ્યું છે. સી.સી.ટી.વી.નો મુખ્ય કન્ટ્રોલ રૂમ અમદાવાદ ખાતે હોઇ ત્યાંથી અહેવાલ આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થવા ધારણા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજમાં આ જ બેન્કના એ.ટી.એમ.ને નિશાન બનાવવા ગોળીબાર સહિતની ઘટના બની હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer