ભુજ સુધરાઇની કચેરી ઠપ કરનારા કર્મીઓ સામે પગલાંની તૈયારી

ભુજ, તા. 7 : નગરસેવક-મુખ્ય અધિકારીની ટક્કર વચ્ચે માસ સી.એલ. સાથે સત્તાપક્ષ સામે મોરચો માંડનારા સુધરાઇના કર્મચારીઓની રજા કપાત કરવાનો તખતો ઘડાયો હોવાનું જાણવા મળ્યું હતું.  થોડા દિવસ પહેલાં મળેલી ભુજ સુધરાઇની સામાન્ય સભામાં નગરસેવક દ્વારા મુખ્ય અધિકારી સામે ઠપકા ઠરાવ રજૂ કરતાં જ તેનાથી નારાજ કર્મચારીઓએ સત્તાપક્ષની જ સામે બાંયો ચડાવી એકાએક માસ સી.એલ. પર ઊતરી જઇ કચેરીનું કામકાજ ઠપ કરી નાખ્યું હતું. જો કે, પ્રમુખ દ્વારા આ અંગે મુખ્ય અધિકારીને નોટિસ પાઠવી કામ ઠપ કરનારાઓ સામે પગલાં ભરવા અંગે પૂછાણું લેવાયું હતું. અલબત્ત પાંચેક દિવસ સુધી મુખ્ય અધિકારી દ્વારા પ્રમુખને કોઇ ઉત્તર ન અપાયા અંગેના અહેવાલ પ્રસિદ્ધ થતાં જ આજે માસ સી.એલ. પર ઊતરનારા કર્મચારીઓના પગાર કપાત કરવાની તૈયારી થઇ ગઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોક્કસ વ્યક્તિઓના ઇશારે મુખ્ય અધિકારીના પક્ષે રહી કર્મચારીઓએ સત્તાપક્ષની સામે બાંયો ચડાવી તે જ અધિકારી દ્વારા લડત કરનારા કર્મીઓના પગાર કાપવાનો ઓર્ડર કરાયો હોવાની વાતથી કચેરીમાં ભારે ચર્ચા જાગી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer