મુંદરા દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ

મુંદરા/ભુજ, તા. 7 : ભારતનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું અદાણી જૂથ હસ્તકનું મુંદરા પોર્ટ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં માલ પરિવહનમાં દેશના સૌથી મોટાં કન્ટેનર પોર્ટ તરીકે ઉભરી આવ્યું છે. મુંદરાએ જાહેર ક્ષેત્રના નવી મુંબઈ સ્થિત `ન્હાવા શેવા' બંદર તરીકે જાણીતાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) પાસેથી દેશના સૌથી મોટાં કન્ટેનર પોર્ટ તરીકેનું છોગું કમસેકમ કોવિડ પછીના સમયમાં જાહેર વર્તમાન આંક મુજબ છીનવી લીધું છે. છેલ્લા ત્રિમાસિક ગાળાના આંક મુજબ, મુંદરાએ 9,70,940 ટીઇયુ (ટ્વેન્ટી ફૂટ ઈક્વિલન્ટ યુનિટ, ક્ષમતા દર્શાવવા વપરાતું કન્ટેનરનું સ્ટાન્ડર્ડ માપ)નું હેન્ડાલિંગ કર્યું હતું, જ્યારે જેએનપીટીએ 8,47,844 ટીઇયુનું હેન્ડાલિંગ કર્યું હતું. નવ બંદર સાથેના મુંદરા પોર્ટ એન્ડ સેઝનું પ્રથમ ત્રિમાસિક ગાળામાં 4.15 કરોડ ટનનું કુલ હેન્ડાલિંગ હતું, જે ગત વર્ષના 5.7 કરોડ ટનથી લગભગ 27 ટકાનો ઘટાડો દર્શાવે છે. મુંદરામાં, છેલ્લા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કન્ટેનર વ્યવહાર 17.7 ટકા ઘટીને 9.70 લાખ ટીઇયુ પર પહોંચ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 10.80 લાખ ટીઇયુ હતો. જેની તુલનામાં જેએનપીટીએ 8.47 લાખ ટીઈયુનો કન્ટેનર વ્યવહાર કર્યો હતો. જેએનપીટીએ ગત નાણાકીય વર્ષ આ સમયગાળામાં 10.30 લાખ ટીઇયુનું હેન્ડાલિંગ નોંધાવ્યું હતું, મુંબઈનાં આ બંદરે લગભગ 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ રીતે મુંદરા આગળ નીકળી ગયું હતું.કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 12 મહાબંદર પરનો કાર્ગો વ્યવહાર ગત વર્ષના આ સમયગાળામાં 17.67 કરોડ ટનની સરખામણીએ 19.68 ટકા ઘટીને 14.19 કરોડ ટન થયો હતો. કોરોના વૈશ્વિક મહામારીના કારણે માંગ ઘટતાં નાણાકીય વર્ષ 2020-21નાં પહેલા ત્રિમાસિક ગાળામાં દેશના મહાબંદરોમાં સંચાલકીય દેખાવામાં ભારે ઘટાડો થયો હતો. મુંદરા પણ તેમાં બાકાત નહોતું, પણ ઓછી અસરના કારણે તે જેએનપીટીને પાર કરી ગયું હતું. સર્વગ્રાહી ધોરણે, દેશના 12 મહાબંદર પરના કન્ટેનર વોલ્યુમમાં ગત વર્ષનાં 20.57 લાખ ટીઇયુમાં 32.28 ટકાનો ઘટાડો નેંધાવતાં 10.74 લાખ ટીઇયુ પર પહોંચી ગયું છે. અદાણી પોર્ટ એન્ડ સેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કરણ અદાણીએ જણાવ્યું હતું કે, અમારું હવે પછીનું લક્ષ્ય મુંદરાને વિશ્વનું સૌથી મોટું કન્ટેનર બંદર બનાવવાનું છે. આ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આયર્ન ઓર, ગોળીઓ અને કાચા ખાતરના કાર્ગો સિવાય, અન્ય તમામ કાર્ગો પ્રકારો જેવા કે ક્રૂડ તેલ, ઉત્પાદનો, એલપીજી, એલએનજી, અન્ય પ્રવાહી, તૈયાર ખાતરો, થર્મલ કોલસો,  કાકિંગ કોલસો, કન્ટેનરોનાં જથ્થામાં ઘટાડો નોંધાયો હતો. આ અંગે મુંદરા પોટૅ એન્ડ સ્પે. ઈકોનોમી ઝોનના ડાયકરેકટ અને સી.ઈ.ઓ. કરણ અદાણીએ ટવીટ કરીને જણાવ્યું છે કે, `પોતાને જણાવતાં આનંદ થાય છે કે, મુંદરા બંદર જે.એન.પી.ટી. પોર્ટને પાછળ રાખીને નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં આગળ નીતકળી ગયું છે. અને દેશનું સૌથી મોટું કન્ટેઈનર પોર્ટ બન્યું છે. તો પછીનું લક્ષ્ય મુંદરાને વિશ્વનું સૌથી મોટું કન્ટેઈનર પોર્ટ બનાવવાનું છે.નેંધપાત્ર વિગત એ છે કે, લોકડાઉન અને કોરોના મહામારીના વિકટ પરિસ્થિતિ વિપરિત સંજોગોની વચ્ચે અદાણી બંદરે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બંદરીય કન્ટેઈનર વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેન સુરેશભાઈ ઠક્કરે માહિતી આપતાં આગળ જણાવ્યું કે, મુંદરા બંદરેથી મુખ્યત્વે નિકાસી કાર્ગો રહ્યો છે. જેમાં ખાસ કરીને ચોખા, ખાંડ, ઘઉં, બાજરો જેવી ખાદ્ય સામગ્રી ઉપરાંત કપડા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. અમારા પ્રતિનિધિ રાજેશભાઈ ચોથાણીએ જણાવ્યું કે મુંદરા બંદરેથી નિકાસી કાર્ગે મુખ્ય છે. અને વિદેશી હૂંડિયામણની અબજો રૂપિયાની આવક આ નિકાસના કારણે શકય બને છે. બંદર ઉપર લાગેલી અદ્યતન મશિનરી સહિતના આધુનિક ઉપકરણોએ કન્ટેઈનરના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેમ આવનારા સમયમાં કન્ટેઈનરમાં ટ્રાફિકમાં સતત વધારો થતો રહેશે. દરિયાઈ વેપારમાં કન્ટેઈનર દ્વારા માલની આયાત નિકાલની પદ્ધતિ સલામત અને ઝડપી બની ગઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer