કોરોનાકાળ મીઠાં ઉદ્યોગને ફળ્યો

ભુજ, તા. 7 : માર્ચ મહિનામાં કોરોના મહામારીનો ફેલાવો વધતાં લાગુ કરવામાં આવેલાં લોકડાઉન સમયે કચ્છમાં ઉત્પાદિત તૈયાર મીઠાંનો મોટો ભંડાર જમા થઈ ગયો હતો,  પરંતુ અલગ-અલગ કારણોથી છેલ્લા બે મહિનામાં વપરાશ અને માંગમાં 40 ટકા જેટલો જબ્બર ઉછાળો આવતાં ઉત્પાદકો કમાઈ ગયા છે. મીઠાંના દેશની કુલ વપરાશના લગભગ 80 ટકા ખપત એકલું કચ્છ પૂરું પાડે છે. કચ્છમાં વાર્ષિક ત્રણ કરોડ ટન જેટલું મીઠું ઉત્પાદિત થાય છે. માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયું ત્યારે ઉત્પાદિત મીઠાંનો વિશાળ જથ્થો જમા થઇ ગયો હતો અને નવાં ઉત્પાદન તેમજ પરિવહન પર અસર પડી હતી. પરંતુ સરકારી યોજનાઓ અને અન્ય વિવિધ કારણોસર માંગમાં 40 ટકાનો ઉછાળો આવતાં અત્યારે એડિબલ સોલ્ટ ઉત્પાદકોને બખ્ખા થયા છે. એક અંગ્રેજી માધ્યમના અહેવાલ મુજબ વીતેલા બે મહિના મે અને જૂનમાં દેશમાં મીઠાંના વપરાશમાં 40 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઉત્પાદનમાં 80 ટકાનો હિસ્સો હોવાથી તેનો દેખીતો સૌથી મોટો લાભ કચ્છની કંપનીઓને થયો છે. સરકારે દેશના કરોડો લોકોને વિવિધ સરકારી યોજના હેઠળ રાશનકિટ આપી. જેમાં ગરીબોને એક-એક કિલો મીઠું અપાયું,  આ બીજું, કોરોના મહામારી વચ્ચે નિષ્ણાતોએ મીઠાંના કોગળા કરવાનું કહ્યું અને શાકને સ્વચ્છ કરવા માટે પણ મીઠાંનો ઉપયોગ કરવાના સૂચનો આવ્યાં.  આવા વિવિધ કારણોસર દેશના કરોડો ઘરમાં મીઠાંનો વપરાશ વધતો ગયો અને માંગમાં આવેલા આ 40 ટકાના ઉછાળાએ ખાસ કરીને કચ્છની કંપનીઓને લાભ આપ્યો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer