રુદ્રમાતા ડેમની કેનાલમાંનાં ગાબડાં દૂરસ્ત કરો

ભુજ, તા. 7 : કચ્છ જિલ્લાના સૌથી મોટા ડેમ પૈકીનો રુદ્રમાતા ડેમ છે. આ ડેમની કમાન 29 હજાર હેક્ટર જેટલી જમીનોને ખેતીનું પાણી પૂરું પાડે છે. 23 હજાર જેટલી માનવવસ્તી આ ડેમ ઉપર નિર્ભર છે. આ ડેમ ઓવરફલો થઇ ગયા બાદ વર્ષના ત્રણ પાક  ખેડૂતો એ પાણીનો લાભ લઇ ખેતી કરતા હતા, પરંતુ ડેમની 24 કિ.મી. લાંબી કેનાલમાં ગાબડાં તેમજ તળિયું ખરાબ થઇ જવાનાં લીધે હાલે વરસાદ બાદ માંડ એક જ પાક લઇ શકાય તેવી પરિસ્થિતિ છે. આથી આ કેનાલની મરંમત કરવાની માંગ કરાઇ છે. ભાજપના ભુજ તાલુકા કિસાન મોરચાના મહામંત્રી વિરમ રામજીભાઇ આહીરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી ખેડૂતો માટે બહુઉપયોગી આ રુદ્રમાતા ડેમની કેનાલ અંગેની વિગતે રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે રુદ્રમાતા ડેમ 1970 અને કેનાલ 1972માં નિર્માણ પામી છે. આ અંદાજિત 45થી 50 વર્ષ દરમ્યાન થોડું-ઘણું રિપેરિંગ કામ એકાદ વખત જ થયું છે. આ ડેમ પરથી સુમરાસર (શેખ), લોરિયા, ઝુરા કેમ્પ, નોખાણિયા, કુનરિયા, ઝુરા, ઢોરી જેવા ગામડાના ખેડૂતો રુદ્રમાતા ડેમ પરથી પાણી લઇ 29 હજાર હેક્ટર જેટલી જમીન પર ખેતી કરી રહ્યા છે. 23 હજાર જેટલી માનવવસ્તી તેના પર નિર્ભર છે. હાલ આ ડેમની કેનાલમાં અનેક જગ્યાએ ગાબડાં પડી ગયાં છે અને તળિયું પણ ખરાબ થઇ ગયું છે. આથી આ ડેમની કમાનમાં આવતી 24 કિ.મી.ની કેનાલનું ફરીથી રિનોવેશન કરવામાં આવે તો આ ડેમના કમાન એરિયામાં આવતા તમામ ગામોના ખેડૂતો પોતાના મનગમતા નિયમિત પાકો લઇ શકે અને આર્થિક સદ્ધર બની શકે એમ છે, તેવી પત્રમાં રજૂઆત કરાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer