માગ્યા મેહ... કચ્છ પર ધીમીધારે વરસ્યું હેત

માગ્યા મેહ... કચ્છ પર ધીમીધારે વરસ્યું હેત
ભુજ, તા. 6 : સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસી રહેલા અને અપર એર સાયકલોનિક સકર્યુલેશનનાં પ્રતાપે કચ્છ સુધી પહોંચેલા મેઘરાજાએ ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએથી કચ્છમાં `બેસણાં' કર્યા છે  હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર જિલ્લાભરમાં મેઘાડંબર રચીને હળવાથી ભારે ઝાપટાં વરસી રહ્યાં છે. વીતેલા 24 કલાક દરમ્યાન અને રવિવારની મધરાતથી આ વરસાદે પોતાનું સ્વરૂપ બદલ્યું છે, ગાજવીજ-પવન પ્રમાણમાં મંદ છે જ્યારે ઝરમરનું સ્થાન ઝાપટાંઓએ લઇ લેતાં મેઘતૃષ્ણાનાં મુલકમાં લાપસીનાં આંધણ મુકાય તેવો હરખ વરસી રહ્યો છે, ભચાઉ તાલુકામાં 125 મિ.મી. અર્થાત પાંચ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. જિલ્લામથક ભુજમાં વહેલી સવારે મંદમંદ મેઘરાજા પધાર્યા હતા અને એ સિલસિલો રાત્રે 8 વાગ્યા સુધી તો ધીમી ગતિના સમાચારની જેમ ચાલ્યો હતો, ઝાપટાંઓનો દોર ચાલુ જ રહ્યો પણ વેગ નહોતો, પરિણામે શહેરીજનો અકળાયા હતા. આર્થિક પાટનગર ગાંધીધામમાં ત્રણ ઇંચ, અંજારમાં બે ઇંચ, રાપર, અબડાસા અને બંદરીય માંડવીમાં વધુ 82 મિ.મી. સાથે મોસમનો આંક 468 મિ.મી. (18 ઇંચ) ઉપર પહોંચી ગયો છે. હજુ 48 કલાક દરમ્યાન ભારેથી મધ્યમ વરસાદની આગાહી હોવાથી કચ્છનો બેડો પાર થઇ જાય એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. અબડાસાના કોઠારા ગામે ગત મધરાતે ત્રણેક વાગ્યે એકાએક રૌદ્ર સ્વરૂપ ધરીને વરસેલા વરસાદે પાણી તો એક જ ઇંચ વરસાવ્યું હતું પણ પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ સંકુલના ગોડાઉનના પતરાં ઉડાવ્યાં હતાં. પરિણામે પાથરણાં-શેતરંજી-કાપડનો જથ્થો પલળી ગયો હતો. કયાંક વૃક્ષ ઉખડયાં હતાં તો વળી એક વીજથાંભલો પણ પડ્યો હતો પરિણામે 30 ગામોમાં અંધારપટ્ટ છવાતાં વરાડિયા બસ સ્ટેશને તાબડતોબ ડીપી બદલાવવી પડી હતી, વાડી વિસ્તારમાં 10થી 12 વૃક્ષો મૂળસોતાં ઉખડી ગયા હતા, ઉલ્લેખનીય છે કે 2017માં ગુરુપૂર્ણિમાથી શરૂ થયેલા મેઘરાજાએ ખેડૂતોને ન્યાલ કરી દીધા હતા. ભચાઉમાં પાંચ ઇંચ ખાબક્યો ભચાઉથી મનસુખ ઠક્કરના હેવાલ અનુસાર છેલ્લા કેટલાક મહિનાના સખત બફારા ગરમી બાદ આજે સોમવારે વહેલી પરોઢે ધીમીધારે વરસાદ વરસતાં રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં. સવારે 9 સુધી વરસાદ 33 મિ.મી. વરસ્યો હતો. બપોરે 2-30થી ગતિ વધી હતી. સાંજે આજનો વરસાદ 125 મિ.મી. નોંધાયો હતો, અગાઉ 39 મિ.મી. હોવાથી મોસમનો કુલ 164 મિ.મી. પહોંચ્યો હોવાનું મામલતદાર કચેરીના ના. મામલતદાર શ્રી હુંબલે જણાવ્યું હતું. લાકડિયામાં રવિવારની રાત્રિથી શરૂ થયેલી હેલીએ 4 ઇંચ વરસાદ વરસાવ્યાનું અમૃતલાલ કુબડિયાએ જણાવ્યું હતું. આ વરસાદ બાદ નવા પુલ અને દબાણોને લઇ પાણીના વહેણ ફરી જતાં મુશ્કેલી સર્જાય તેવા સંકેત મળ્યા છે. સચરાચર વરસાદથી ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. ઉઘાડ નીકળતાં જ વાવણીના કામમાં લાગી જતા પાટીદારોની વસતીવાળા ભચાઉ, આધોઇ, વોંધ, સિકરા, કબરાઉ, આંબરડી, કુંભારડી, ખારોઇ, મેઘપર, ઉદેપુર, કંથકોટ, વાંઢિયા, નવા જૂના કટારિયા, નારણસરી, છાડવાડા, ગોડપર, વગેરે ગામે કોરોના વાયરસને લઇ મુંબઇના વાગડવાસી જેઓ વાવણીકામમાં મદદ કરશે. કોરોના પછી મુંબઇથી આવેલા આ રહેવાસી વાવણી પૂર્વેની કામગીરીમાં લાગ્યા છે. રણધીર ધમાભાઇને પૂછતાં નંદગામ, ચોપડવા, લુણવા, ચીરઇ મોટી, નવી-જૂની ચીરઇ, જૂની યશોદાધામ, ગોકુળ ગામના સીમાડામાં આજે વહેલી પરોઢથી ધીમીધારે અત્યાર સુધી વરસી રહ્યો છે. વાવણીના સંજોગ ઉજળા થયા છે. બે ઇંચ અંદાજાય છે. સામખિયાળી લોહાણા મહાજનના માજી પ્રમુખ ધીરજલાલ ઠક્કરને પૂછતાં પરોઢથી સારો વરસાદ ગણાવ્યો હતો. સામખિયાળી વેપારી મંડળના પ્રમુખ મોમાયાભાઇના જણાવ્યા મુજબ કટારિયા નવા-જૂના, ચાંદ્રોડા, ઘરાણા સહિત આ ધારા વરસી રહી છે. શાંત રીતે વરસતા વરસાદની જમીનને પુષ્કળ ફાયદો થશે. કણખોઇના પડેલશા પીરના ગાદીનશીન મહમદશા બાપુએ જણાવ્યું કે, કણખોઇ, ભરૂડિયા, ખારોઇ સહિત માગ્યા મીં વરસ્યા છે. ગુણાતીતપુરમાં ડો. પ્રવીણ પટેલના જણાવ્યા મુજબ વાવણી જેવો વરસાદ થઇ રહ્યો છે. જંગીથી રણછોડ કાનાભાઇ પટેલે જણાવ્યું કે, જંગી પાંચાડામાં પરોઢથી ધીમીધારે વરસી રહ્યો છે. માતલ હનુમંતધામ મહંત રાજગોરે નવા કટારિયા સીમાડો વરસાદની ધીમીધારથી પલળી રહ્યો છે તેવું કહ્યું હતું. લલિયાણાથી મનસુખ પ્રસાદ પણ વાવણીના વાવડ લખાવે છે. વામકામાં વરસાદના વાવડ અશોકસિંહ જાડેજા લખાવે છે. શિકારપુર સરપંચ કરીમભાઈ કહે છે જસાપરવાંઢ સહિત વરસાદ છે. સરકાપર સીમમાં બાબુલાલ પટેલે સારા વરસાદની વાત કરી, કબરાઉ વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદનું મહંત કૃષ્ણાનંદજીએ જણાવ્યું છે. ગાધીધામમાં ત્રણ ઈંચ ગાંધીધામ બ્યૂરોના હેવાલ મુજબ પાંચ દિવસની વરસાદની આગાહીના પગલે ગાંધીધામ આદિપુર શહેરમાં પણ આજે વહેલી સવારથી આખો દિવસ મેઘરાજાના મંડાણ થયાં હતાં. મેઘરાજાની ધીમી પણ મક્કમ ગતિથી અઢીથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ સરકારી ચોપડે અછતને જાકારો મળ્યો હતો. વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વરસાદ મોડી સાંજ સુધી યથાવત રહ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધી ધીમીધારે મેઘરાજાએ સંકુલ ઉપર હેત વરસાવ્યા બાદ બપોરે 1.30 થી 2.30 વાગ્યાના અરસામાં ઝડપ વધારી હતી. એક કલાકમાં ધોધમાર વરસાદથી શહેરના માર્ગો ઉપર વરસાદી પાણીનું પ્રમાણ વધ્યું હતું. ચોમાસાંની મોસમમાં પ્રથમ વખત આખો દિવસ વરસાદી માહોલ બરકરાર રહેતાં શહેરીજનો પુલકિત થઈ ઉઠયા હતા. શહેરની મુખ્ય બજાર, તેમજ ભારત નગર, સુંદરપુરી સહિતના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે એક સાથે વરસાદ વરસ્યો ન હોવાથી પરિસ્થિતિ વધુ કથળી ન હતી. ગાંધીધામ મામલતદાર કચેરી સ્થિત કન્ટ્રોલ રૂમમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 58 મિલીમીટર એટલે કે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ વરસાદ 146 મિલીમીટર નોંધાયો છે. જો કે હજુ સાંજે પણ ધીમીધારે વરસાદની હેલી જારી જ રહી છે. અસહ્ય ઉકળાટમાંથી શહેરીજનોએ રાહત મેળવી હતી. ગાંધીધામમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 23 મિલીમીટર અને બે થી 4 વાગ્યાના અરસામાં 22 મિલીમીટર અને સાંજે 4 થી 6 વાગ્યા દરમ્યાન વધુ 13 મિલીમીટર સહિત કુલ 58 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. અંજારમાં ધીમીધારે બે ઇંચ અંજારથી રશ્મિન પંડયાના હેવાલ અનુસાર છેલ્લા કેટલાય દિવસથી સખત ગરમી અને ભારે બફારા બાદ ગઇ રાત્રિથી શહેરમાં હળવાં-ભારે ઝાપટાં શરૂ થયા જે આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી આખા દિવસ દરમ્યાન ચાલુ રહેતાં સત્તાવાર આંક 42 મિ.મી. નોંધાયો હતો. અગાઉનો 109 અને આજને 42 મિ.મી. સાથે સિઝનનો વરસાદ 151 મિ.મી. (છ ઇંચ) જેટલો થયો છે. શહેરના ઐતિહાસિક તળાવો સવાસર નાકા, ખડિયા તળાવ અને સિદ્ધેશ્વર તળાવોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ હતી. વરસાદી વહેણો પર અનેક દબાણો થતાં તળાવોમાં પાણીની આવક થતી નથી. કુદરતી જૂના વહેણો પર બાંધકામો થતાં પાણી અન્ય સ્થળે ફંટાઇ જાય છે. ચોમાસા અગાઉ પ્રિ-મોન્સૂન કામગીરી ન થતાં પાણીની આવક નહીંવત જેવી હતી. બીજીતરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઇ રાત્રિથી જ હળવાં-ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. વરસાદથી ગ્રામ્ય વિસ્તારના તળાવો, ચેકડેમોમાં નવાં પાણી આવ્યા હતા. શહેરમાં આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીથી લોકોને રાહત મળી છે. માંડવીમાં ત્રણ ઇંચ માંડવીથી દેવેન્દ્ર વ્યાસના જણાવ્યા અનુસાર બંદરીય શહેર-પંથકને ગઇકાલે દિવસ દરમ્યાન એક ઇંચ ન્યાલ કર્યા પછી મેઘરાજાએ મધ્ય અને મોડીરાત્રિ દરમ્યાન વધુ વ્હાલ વરસાવી આંકડો સવા ત્રણ ઇંચ (82 મિ.મી.) પહોંચાડી દીધો હતો. જિલ્લામાં મોખરે રહેલા આ શહેરમાં પાંચ મિ.મી. ઝરમર ફુવારા સાથે મોસમનો એકંદર પારો આજે સાંજે 468 મિ.મી. સાડા અઢાર ઇંચને વટાવી જતાં ટોપણસર જળાશય પખવાડિયામાં બીજી વખત છલકાઇ?ગયું હતું. મહદ્અંશે તાલુકામાં ઉગમણી, આથમણી દખણાદી પટ્ટીના ગામડાઓ સોનાસમા જળાભિષેકથી હરખાયા હતા. કોડાય પંથકમાં એક ઇંચ જીવરાજ ગઢવીના જણાવ્યાનુસાર તાલુકાના કોડાય વિસ્તારમાં મોડીરાતથી સાંજ સુધી એકથી સવા ઇંચ વરસાદ પડયો છે. મદનપુરાથી ખેડૂત અગ્રણી રમેશ પટેલ, પરેશ પટેલે જણાવ્યું હતું કે, મદનપુરા ગામે એકથી સવા ઇંચ વરસાદ થયો છે. દુર્ગાપુરથી એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રવીણભાઇ વેલાણીએ આ વરસાદ કાચા સોના જેવો પડયો છે અને વાવણીનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે જેથી આ વરસાદ ઉપયોગી થશે તેવું ઉમેર્યું હતું. મોટા આસંબિયાના સરપંચ આલમશા સૈયદ અને નાના આસંબિયાના અગ્રણી કાનજીભાઇ સંઘારે પણ એક ઇંચ જેટલા વરસાદના વાવડ આપ્યા હતા. રાયણથી જૈન અગ્રણી વિપુલભાઇ રાંભિયાએ વરસાદના સમાચાર આપ્યા હતા. પિયાવાથી ખેડૂત અગ્રણી કલ્યાણજી ગાજપરિયાએ જણાવ્યું કે, દોઢ ઇંચ જેવો વરસાદ છે. કપાસ જેવા પાકોને ફાયદો થાય તેમજ બાગાયત પાકને નુકસાન થાય. સાભરાઇથી ગામના અગ્રણી જુમાભાઇ ઉઠારે જણાવ્યું કે, એકથી દોઢ?ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચાલુ છે. અબડાસામાં દોઢ ઇંચ નલિયાથી સતીશ ઠક્કરે આપેલી વિગતો મુજબ તાલુકામાં મધરાતે ભારે ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ થયો હતો. નલિયા, જખૌ, જખૌ બંદર સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ હતો. પવનની ઝડપ એટલી હતી કે વરાડિયામાં અમુક મકાનના છાપરાં ઊડી ગયાં હતાં. તાલુકામાં ગઇકાલથી મેઘાડંબર છે પણ મેઘરાજા મન મૂકી વરસતા નથી. ભુજની જેમ અબડાસાને પણ અઢળક કૃપાની આશ છે. ગરડા પંથકમાં અડધો ઇંચ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ વીજળી, ગાજવીજ સાથે ફરીથી અબડાસાનાં ગરડા પંથકમાં વાયોર, ઊકીર, વાગોઠ, ફુલાય, વાઘાપદ્ધર, વલસરા, છશરા, ચરોપડી મોટી -નાની, મોહાડી, ભારાવાઢ, અકરી, સાંઘી, ગોલાય, બેર મોટી- નાની, પખા, ખારઇ, અલ્ટાટ્રેક કંપની જેવા ચાલીસ ગામોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમા લાઇટ ચાલી જતાં છેક બીજા દિવસે બપોરના એક વાગ્યે લાઇટ આવી હોવાનું વાયોરથી પ્રતિનિધિ જાડેજા કિશોરસિંહએ જણાવ્યું હતું. મુંદરામાં હાજરી અશ્વિન ઝિઝુંવાડિયાના હેવાલ મુજબ બંદરીય નગર મુંદરા મધ્યે સવારથી ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના સત્તાવાર આંકડા આપતાં મામલતદાર કચેરીએ જણાવ્યું કે, આજ ચાર વાગ્યા સુધી પંદર મિ.મી. અને અગાઉનો 166 મિ.મી. મળી મોસમનો કુલ વરસાદ 181 મિ.મી. (સાત ઇંચ) થયો છે. તાલુકાના ખેંગારસાગર ડેમમાં સાત ફૂટ નવું પાણી આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ પડયો છે. ગુંદાલામાં એક ઇંચ મુંદરા તાલુકાના ગુંદાલામાં સોમવારે વહેલી સવારથી સાંજ સુધીમાં ઝરમર સ્વરૂપે એકાદ ઇંચ જેટલું અમૃત આભમાંથી વરસ્યું હતું. ખેડૂતોએ આ વરસાદને કાચું સોનું ગણાવ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોવાનું ભુવનેશ જોશીએ જણાવ્યું હતું. રાપર તાલુકામાં બે ઇંચ વરસાદ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં વહેલી સવારના પાંચ વાગ્યાથી ઝાપટાં વરસ્યા હતા. સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી 39 મિ.મી. વરસાદ થયો હતો. અગાઉના 169 મિ.મી. સાથે મોસમનો કુલ 208 મિ.મી. (આઠ ઇંચ) વરસાદ થયો હતો. રાપર ઉપરાંત બાદરગઢ, ડાભુંડા, સઇ, ખીરઇ, ફતેહગઢ, સલારી, આડેસર, ભીમાસર, પ્રાગપર, જાટાવાડા, બાલાસર, મૌઆણા, રવ, નંદાસર, રામવાવ, ચિત્રોડ, નીલપર, ત્રંબૌ સહિત ખડીર વિસ્તારમાં લગભગ ગામે એકથી-બે ઇંચ વરસાદ ઝાપટાં રૂપે પડયો હતો. શિરાનીવાંઢના માજી સરપંચ હરેશ ચાવડાએ ખેતી માટે ઉત્તમ વરસાદ ગણાવ્યો હતો. રામવાવના માજી સરપંચ કરશનભાઇ વરચંદે આ વરસાદથી મગ-કોરડ, બાજરી, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને ફાયદો થશે. બાદરગઢમાં દોઢ ઇંચથી પાકને ફાયદો થશે, પલાંસવાના રમેશભાઇ ખોડએ જણાવ્યું હતું કે, વરસાદના લીધે અગાઉ કરવામાં આવેલ વાવેતરને ફાયદો થશે. ચિત્રોડમા પણ દિવસભર ઝાપટાં વરસ્યા હોવાનું વિનોદ પ્રજાપતિએ જણાવ્યું હતું. ખડીર રતનપરના સરપંચ દશરથભાઇ આહીરના જણાવ્યા મુજબ પાણી માટે વલખાં મારી રહેલા ખડીર વિસ્તારમાં ઝાપટાં શરૂ થતાં આશા બંધાઇ છે. મોટી વિરાણીથી ઉમર ખત્રીના હેવાલ મુજબ લક્ષ્મીપર, બાડિયા વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયાનું ઉમર થુરિયાએ કહ્યું હતું. આમારાથી ખોંભડી નાની મોટીમા મધરાત્રે પાણી વહ્યાના વાવડ છે. નાની બન્નીમાં પોણો ઇંચ માલધારીઓ વસે છે તે નાની બન્નીના તલ, છારી, મોતિચુર વિસ્તારમાં પોણો ઇંચ વરસાદના વાવડ જત ઇબ્રાહીમ ગોધડે આપ્યા હતા. લૈયારી, ફુલાય, પૈયા વિસ્તારમાં પોણો ઇંચ વરસાદી પાલર પાણી પડતા શેરી વોકળામાં પાણી વહ્યાં હતાં. નાની ધામાયથી ચતુરસિંહ સોઢા આકાશમાં જાણે આતશબાજી થઇ હોવાનું જણાવ્યું હતું. મોટી વિરાણી, વાંઢ, સુખપર, ભારાપર વિસ્તારમાં રાત્રિના પોણા બેએ પોણો કલાક તોફાન બાદ સાધારણ છાંટા પડયા હતા. કોટડા-ચકાર પંથકમાંઆજે પણ ઝરમરિયો તેમજ વચ્ચે-વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતો, માલધારીઓ મેઘાની મહેરબાનીથી ખુશ છે. ચોમાસુ પાક માટે આર્શીવાદરૂપ વરસાદ કોટડા, ચકાર, જાબુંડી, થરાવડા, સણોસરા, રેહા, વડવા, જદુરા સહિતના પંથકમાં ખેડૂતોને મહેર કરાવી દીધી છે. ખારેક, આંબાના પાકને થોડી નુકસાની થશે પણ એકંદરે આષાઢના વરસાદે કોરોનાના કહેર વચ્ચે રાહત અપાવી હોવાનું ફકીરમામદ ચાકીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer