ટી-20 વર્લ્ડકપ રદ્ થવાની આ સપ્તાહે જાહેરાત થશે

મેલબોર્ન, તા.6 : આઉટડોર પ્રેકટીસ શરૂ કરી ચૂકેલ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની લીમીટેડ ઓવર્સની સિરિઝની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે ટી-20 વર્લ્ડ કપ રદ થવાની પૂરી સંભાવના છે. હાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને આઇસીસી ટી-20 વર્લ્ડ કપના ભવિષ્ય પર ચર્ચા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહમાં જ વર્લ્ડ કપ રદ થવાની સત્તાવાર જાહેરાત થશે. કોવિડ-19ની મહામારીને લીધે 18 ઓકટોબરથી 2પ નવેમ્બર સુધી આયોજીત ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપનું રદ થવું હવે લગભગ નિશ્ચિત બન્યું છે. આથી આ સમયગાળામાં આઇપીએલનું આયોજન થઇ શકે છે. ઓસ્ટ્રેલિયન અખબાર ડેઇલી ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર ટી-20 વર્લ્ડ રદ થવાની સત્તાવાર જાહેરાત આ સપ્તાહમાં જ થશે. કારણ કે ઓસિ. ખેલાડીઓને આગામી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ કાંગારૂ ક્રિકેટરોને લગભગ આઇપીએલમાં રમવાની પણ મંજૂરી મળશે. ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટી-20 અને વન ડે શ્રેણી રમવાની છે. જે ઓસ્ટ્રેલિયાની કોવિડ-19 બાદની વાપસી શ્રેણી બની રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer