કચ્છમાં કોરોનાની સ્થિતિ વણસે છે, નવા 11 પોઝિટિવ

ભુજ, તા. 6 : જે રીતે દેશના અન્ય વિસ્તારોમાં કોરોના વાયરસ ફેલાયો હતો એ જોતાં કચ્છમાં સ્થિતિ સારી છે એવું કહેવામાં આવતું હતું પરંતુ હવે કચ્છની સ્થિતિ જાણે વણસી રહી હોય તેમ વધુ ચિંતા ફેલાતી જાય છે. કારણ કે આજે એક જ દિવસમાં નવા 11 કેસનો રાફડો ફાટતાં આંક બસ્સોની નજીક 196 પર પહોંચ્યો છે. અબડાસાના સાંઘીપુરમ ખાતે એક જ પરિવારના છ સભ્યો પોઝિટિવ આવતાં છેવાડાના વિસ્તારમાં લોકોમાં જાણે ભય ફેલાઇ ગયો હતો. આજે કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ બહાર પાડેલી સત્તાવાર યાદીમાં નવા 11 પોઝિટિવ કેસ એક જ દિવસમાં સામે આવ્યા હોવાનું જણાવ્યું હતું. અબડાસાના સાંઘીપુરમની બાવા કોલોનીમાં રહેતા 33 વર્ષીય જલાઉદ્દીન કુતુબદ્દીન, 48 વર્ષીય બાદશાહ એન. કાદર, 43 વર્ષના ફિરોજ હુશેન, રબીસસિંઘ (ઉ.વ. 28), મોહન કુમાર (ઉ.વ. 56), કિરણબેન માલાભાઇ ઝાલા (ઉ.વ. 26) આ તમામ અગાઉ જે એક ડ્રાઇવરના સંપર્કમાં આવ્યા હતા જેના કારણે કોરોના પોઝિટિવ આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે જે ડ્રાઈવર પોઝિટિવ હતા તેની સાથે જમતા હતા, રહેતા હતા, જેનાથી આ છ જણને ચેપ લાગી ગયો હતો. એવી જ રીતે અંજારની જજીસ કોલોનીમાં રહેતા ન્યાયાધીશ પ્રસંગ જેસિંગ ચૌધરી (ઉ.વ. 48) જે મહેસાણાથી આવ્યા હતા. તો જામનગરથી ગાંધીધામ આવેલો 24 વર્ષનો યુવાન સ્મિત નવીનભાઇ મોતીવરસ પોઝિટિવ આવ્યો હતો. જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી છતાં આજે રાજનગર અંતરજાળની કોલોનીમાં રહેતી 21 વર્ષીય યુવતી પૂનમબેન ભરતભાઇ ભીલ પણ કોરોનાગ્રસ્ત બની હતી. રાપરમાં આજે નવા બે કેસ આવ્યા છે તે અયોધ્યાનગરમાં રહેતા પ્રવીણલાલ ડાયાલાલ ઠક્કર (ઉ.વ. 46) તો 19 વર્ષીય જયકુમાર પ્રવીણભાઇ ઠક્કર બંને અગાઉના કેસના સંપર્કમાં આવ્યા હતા એટલે એમને પણ પોઝિટિવ આવ્યો હતો. 11 નવા પોઝિટિવ કેસ આવતાં સ્વાભાવિકે થોડી ચિંતા વધી હતી પરંતુ એક બી.એસ.એફ.ના જવાનને રજા મળી તેની રાહત મળી હતી. તેમ છતાં એક્ટિવ કેસની સંખ્યા 71 થઇ ગઇ છે ને અત્યાર સુધી કચ્છમાં કુલ કોરોનો બીમારીના પોઝિટિવ કેસોનો આંક 196 થઇ ગયો છે. સામે 116 જણ અત્યાર સુધી સાજા થયા હોવાનું યાદીમાં જણાવાયું હતું અને 9 મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. તો બાજીબાજુ પૂર્વ કચ્છમાંથી મળતી વિગતો મુજબ અંજારના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પી.જે. ચૌધરીને તબિયત બગડતાં તેમનું સેમ્પલ લેવાયું હતું. પરીક્ષણમાં પોઝિટિવ આવતાં કાયદાના ક્ષેત્રમાં ચકચાર પ્રસરી છે. તેઓ મહેસાણા ગયા હતા. સંભવત: ત્યાથી તેઓ સંક્રમિત થયા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગ દ્વારા લગાવાઈ રહ્યો છે. તેઓ ચાર દિવસથી કોર્ટમાં ગયા ન હતા. આ પૂર્વે રૂટિન કામગીરી માટે તેઓ કોર્ટ આવતા હતા. પોઝિટિવ કેસના પગલે કોર્ટના સ્ટાફ કવાર્ટરને સેનિટાઈઝ કરવાની કામગીરી અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાથી ગાંધીધામ બદલી થઈને આવેલા ન્યાયાધીશ, તેમના પત્ની સંક્રમિત થયા હતા. આમ પૂર્વ કચ્છમાં ન્યાયપાલિકાના ત્રણ અધિકારી કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગાંધીધામ તાલુકાના અંતરજાળના રાજનગરમાં રહેતી સગર્ભા પૂનમબેન ભરતભાઈ ભીલનો કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. તેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. તેમના પતિ મજૂરીકામ કરે છે. તેમની પત્નીને લોકલ ટ્રાન્સમિશનથી જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન વ્યકત કરાઈ રહ્યું છે. ગાંધીધામના સેક્ટર 10-એમાં પ્લોટ નંબર 299 ખાતે મકાન નંબર 8માં રહેતા 24 વર્ષીય સ્મિત નવીનભાઈ મોતીવરસ સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. તેઓ તેમની પત્નીને તેડવા જામનગર ગયા હતા. બહારથી આવ્યા બાદ કોરોનાના લક્ષણ દેખાયા હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ જણાવ્યું હતું. આ બન્ને કેસમાં સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની કામગીરી આદરાઈ છે. રાપરના અયોધ્યાપુરીમાં યુવાન સંક્રમિત થયા બાદ તેમના પરિવારજનો પણ સંક્રમિત થયા હતા. તબિયત સારી ન રહેતાં મહેસાણા સારવાર માટે ગયા હતા. ત્યારબાદ યુવાનને ચેપ લાગ્યો હતો. આજે તેના પિતા પ્રવીણલાલ ડાયાલાલ ઠક્કર અને ભાઈ જયકુમાર પ્રવીણભાઈ ઠક્કરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં એક જ પરિવારના ત્રણ જણા કોરોનાની ઝપટમાં આવી ગયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer