કોઠારામાં રૌદ્ર સ્વરૂપે મેઘરાજાનું તોફાન

કોઠારામાં રૌદ્ર સ્વરૂપે મેઘરાજાનું તોફાન
મનોજ સોની દ્વારા કોઠારા (તા. અબડાસા), તા. 6 : હવામાન ખાતાની આગાહી અને અપર એર સાયકલોનિક સકર્યુલેશનના સહારે કચ્છ પહોંચેલા મેઘરાજાએ રવિવારની મધરાત્રે અબડાસા તાલુકાના કોઠારા, વરાડિયા સહિતના ગામો તથા વાડી વિસ્તાર પર રોષ દર્શાવ્યો હોય તેમ ભારે ગાજવીજ- પવન સાથે તોફાન સર્જતાં વરસાદ તો એક જ ઇંચ પડયો હતો પરંતુ નુકસાનીનો આંક અનેક ઇંચને પાર કરી ગયો હતો. કોઠારાથી મનોજ સોનીના રિપોર્ટ અનુસાર ગતરાત્રિએ વાવાઝોડાં અને ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ગાજવીજ અને વાવાઝોડાંએ તો લોકોના જીવ અધ્ધર કરી નાખ્યા હતા. આ વરસાદમાં પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના સંકુલમાં આવેલા ગોડાઉનનાં પતરાં ઊડતાં મોટી નુકસાની થઇ હોવાનું મંત્રી ખોડુભા જાડેજાએ જણાવ્યું હતું. ગોડાઉનમાં શેતરંજી, પાથરણા, કાપડ વિગેરે માલ પલળી ગયો છે. અંદાજિત સાત લાખની નુકસાની થઇ હોવાની સંભાવના છે. વીજળી પડવાથી અનેક જગ્યા પર તિરાડો પણ જોવા મળે છે. જી.ઇ.બી. પાસે એક વૃક્ષ ધરાશાયી થયું તો વિજ્ઞાન શાળામાં પણ એક વૃક્ષ પડી ગયું. કોઠારા પીજીવીસીએલ હેઠળ આવતા ગામોમાં વીજ પુરવઠો રાત્રે જ બંધ થઇ ગયો છે. વિસ્તાર હેઠળ આવતા 30 જેટલા ગામોમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. નખત્રાણા પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ ઇજનેર કોઠારા આવી પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે 13 ટીમો બનાવી અલગ-અલગ જગ્યા પર મોકલી વીજ પુરવઠો સાંજ સુધી પૂર્વવત્ કરાવ્યો હતો. વરાડિયામાં પણ વાવાઝોડાંમાં ગામની બે દરગાહના પતરાં ઊડી ગયા હતા. મેમણ ફળિયામાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું અને બે વીજથાંભલા પણ જમીનદોસ્ત થયા હતા. વરાડિયા બસ સ્ટેશન પાસે ડી.પી. વીજળીના કારણે બળી જતાં ત્યાં નવી નાખી વીજ પુરવઠો ચાલુ કરાયો હતો. વરાડિયા વાડી વિસ્તારમાં પણ 10થી 12 વૃક્ષો પડી ગયા હોવાનું તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સાલેમામધ મંધરાએ જણાવ્યું હતું. વરાડિયામાં અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો. કોઠારા વાડી વિસ્તારમાં આવેલ વાડીમાં જામફળ, લીમડા જેવા 10 વૃક્ષ વાવાઝોડાંમાં પડી ગયા. વાડીના સાતેક લોકોના ઘરના પતરાં વાવાઝોડાંમાં ઊડી ગયા હોવાનું કંબોજ પ્રેમસિંઘ શીખે જણાવ્યું હતું. આજુબાજુના ડુમરા, નારાણપર, વરંડી, ભાચુંડા, રવા સહિતના ગામોમાં અડધાથી એક ઇંચ વરસાદના વાવડ મળ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer