ભુજમાં ધોળા દિવસે 6.30 લાખની ચોરીથી ચકચાર

ભુજમાં ધોળા દિવસે 6.30 લાખની ચોરીથી ચકચાર
ભુજ, તા. 6 : તાજેતરમાં કાયદાના રક્ષકોને પડકાર ફેંકીને બંદૂકના ભડાકે આખેઆખું એટીએમ લૂંટવાનો પ્રયાસ થયો તે સ્થળની ગણતરીના જ ડગલા દૂર આજે ધોળા દિવસે જ ઘરફોડ ચોરીનો બનાવ નોંધાતાં માત્ર સંસ્કારનગર જ નહીં હંગામી બસ સ્ટેશનને સ્પર્શતા મસમોટા વિસ્તારમાં ડર ફેલાયો હતો અને એટીએમ લૂંટની જેમ આ ચોરીનું કારસ્તાન કરનારાઓને પણ પોલીસ તાત્કાલિક જબ્બે કરે તેવી માંગ ઊઠી છે. શહેરના સમૃદ્ધ અને શાંત તથા સંસ્કારીવર્ગની વસાહત ધરાવતા અબ્બાસઅલી પીરની સામેની ગલી અને વ્યાયામ શાળાની નીચે આવેલી ગાયત્રી કોલોનીના મકાન નં. 48માં ઘરમાલિક આજે બપેરે બહાર પ્રસંગે  જમવા ગયા હતા ત્યારે પાછળથી કોઈ હરામખોરોએ ઘરને નિશાન બનાવી ખાતર પાડી રોકડા રૂા. ત્રણ લાખ અને રૂા. 3,30,000ના દાગીના એમ કુલ મળી રૂા. 6,30,000ની ઉઠાંતરી કરી નાસી ગયા હતા. આ બનાવની પોલીસને જાણ થતાં જ સાંજે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો, જેમાં ડીવાય.એસ.પી. જે.એન. પંચાલ, એ-ડિવિઝનના પીઆઇ શ્રી બારોટ તેમજ પોલીસ ટીમ જોડાઇ હતી અને છાનબીન આદરી હતી. આ વિસ્તારમાં અમુક રહેવાસીઓએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા ગોઠવ્યા હોવાથી તેના ફૂટેજ પોલીસે મેળવ્યા હતા. `કચ્છમિત્ર'ને ભોગ બનનારા પરિજનો અને પાડોશીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ ચોરીનું નિશાન બનેલા ઘરની સામે જ રહેતા એક મહિલાએ અંદાજે 2.30 વાગ્યા આસપાસ આ જ ઘરમાંથી સફેદ શર્ટ પહેરેલા એક છોકરાને બહાર નીકળી નાસતો જોયો હતો. મૂળ મુંબઇ રહેતો આ પરિવાર માર્ચ મહિનામાં પોતાના માલિકીના ઘરમાં રહેવા આવ્યો હતો. થોડા સમય પૂર્વે જ બાકી સદસ્યો મુંબઇ પરત ગયા હતા. જ્યારે રાજેશ મંગલદાસ રાજગોર અને તેમનાં 65 વર્ષીય માતા જયાબેન અહીં જ હતા. આ બન્ને માતા-પુત્ર આજે બપોરે 11-30 વાગ્યે કુટુંબિજનના ઘરે જમવા ગયા હતા અને સાંજે ચાર વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ઘરના નકૂચા તોડી ઘરમાં પ્રવેશી કબાટના તાળાં તોડી તેમાં રહેલી બેગમાંથી રોકડા રૂા. 3,00,000 અને 3,30,000ના દાગીના એમ કુલ મળી રૂા. 6.30,000ના મુદ્દામાલની ચોરી થયાનું રાજેશભાઇ રાજગોરે ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે તપાસ આદરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer