પ્રથમ વરસાદે જ ગાંધીધામમાં પાણીનિકાલ `ફેઈલ''

પ્રથમ વરસાદે જ ગાંધીધામમાં પાણીનિકાલ `ફેઈલ''
ગાંધીધામ, તા. 7 : હળવાં દબાણનાં કારણે જિલ્લામાં ભારે વરસાદની આગાહી પ્રમાણે ગાંધીધામ સંકુલમાં પણ આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો, પરંતુ પાલિકાની પ્રિ-મોન્સૂનની નહીંવત જેવી કામગીરીના કારણે ધીમા વરસાદમાં પણ શહેરના અનેક માર્ગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. જો આગાહી મુજબ વરસાદ પડશે તો શહેરની શું હાલત થશે તેવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. આજે વહેલી સવારથી બપોર સુધી શહેરમાં સતત ધીમીધારે જ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી નાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ ચોમાસા પહેલાં કરાતી પ્રિ-મોન્સૂન કામગીરી કરવા ખાતર કરાતી હોવાનાં કારણે શહેરમાં વરસાદ બાદ પણ અનેક સ્થળે પાણીનો ભરાવો રહેતો હોય છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં માત્ર એકાદ ઈંચ જેટલો જ વરસાદ પડયો હશે. જો નાળા સાફ થયેલા હોત તો ધીમીધારે પાણી વહી શકયા હોત પરંતુ નાળા ફેઈલ થઈ ગયા હોવાના કારણે ધીમા વરસાદમાં પણ બે ત્રણ ઈંચ વરસાદ પડયો હોય તેવી જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધીની મુખ્ય બજારમાં સુધરાઈ દ્વારા સાઉથ વિસ્તારના નાળા બંધ કરી દેવાયા છે. પરંતુ નોર્થ વિસ્તારના ચાલુ નાળા જાળવણી થઈ ન હોવાથી બજારમાં અને તેની આસપાસના રહેણાક વિસ્તારોમાં પાણીનો ભરાવો વ્યાપક થયો હતો. દર વર્ષે વરસાદી માહોલમાં બજાર અને ભારતનગર સહિતના વિસ્તારોમાં પાણીના ભરાવાથી શહેરીજનોની હાલત થાય છે. પ્રજાના કરોડો રૂપિયાની બરબાદી થાય છે તેમ છતાં આ સમસ્યાનું કાયમી નિવારણ કેમ નથી લવાતું તેવો સવાલ શહેરના જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. પાણીના નિકાલના અભાવે ભરાઈ રહેતા વરસાદી પાણીના ખાબોચિયામાં મચ્છરની ઉત્પત્તિ થવાથી શહેરમાં મચ્છરજન્ય રોગની મહામારી ફેલાશે ત્યારે કોરોના વચ્ચે આ બીમારી શહેરીજનોને બોનસમાં મળશે. વરસાદી નાળાની યોગ્ય જાળવણી થાય અને પ્રજાના પૈસાનો થતો વ્યય અટકે તે માટે સુધરાઈના જવાબદારો ઘટતી કાર્યવાહી કરે તે સમયની માંગ છે. જો આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ ન પડે અને રાત્રિ સુધી પણ ધીમીધારે સતત ચાલુ રહે તો પણ જળભરાવની સ્થિતિ મુશ્કેલી સર્જે તેવું જાણકારો જણાવી રહ્યા છે. દર વર્ષે શહેરમાં ભારે વરસાદ આવે ત્યારે જ પાલિકા દ્વારા હાઈવે ઉપર જેસીબીથી નાળા સફાઈ કરવાની કામગીરી કરાય છે ત્યારે આગોતરી કામગીરી કેમ ન કરી શકાય તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે. ડીપીટી હસ્તકની ગોપાલપુરી કોલોનીમાં ભારતનગર તરફના વરસાદી નાળાને દીવાલની અંદર લઈ લેવાતાં ભારતનગર બાજુના તમામ વરસાદી પાણી અપનાનગરમાં ભરાયાં હતાં. અપનાનગરની બહાર કોઈ નાળું નથી. અધૂરામાં પૂરું નગરપાલિકાએ બનાવેલો રસ્તો ઊંચો છે. એટલે આજે બપોરે વરસેલા જોરદાર વરસાદે આ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer