અંજારમાં ટ્રાફિક સમસ્યા બની શિરદર્દ

અંજારમાં  ટ્રાફિક સમસ્યા બની શિરદર્દ
અંજાર, તા. 6 : આ શહેરના પોશ વિસ્તાર સહિતના સ્થળોએ અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પોલીસ પ્રશાસન દ્વારા આ કાયમી સમસ્યાને ઉકેલવા માટે નોંધપાત્ર કાર્યવાહી કરાતી ન હોવાના આક્ષેપો ઉઠયા છે. શહેરના ગંગાનાકા, બાર મીટર રોડ, કસ્ટમ ચોક, સવાસર નાકા, બસ સ્ટેશન, વરસામેડી નાકા સહિતના સ્થળોએ વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. બાર મીટરથી ગંગાનાકા તરફના માર્ગ ઉપર બજાર આવેલી હોવાથી લોકોની અવરજવર વધુ રહે છે. આ સ્થળે ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળે છે . આ અગાઉ બજારની કાયમી સમસ્યાને હળવી કરવા માટે નગરપાલિકા દ્વારા માર્ગની બાજુએ આવેલી ફૂટપાથ તોડી પાડવાનો મુદ્દો જોરશોરથી ચર્ચાના એરણે આવ્યો હતો. પરંતુ થોડા સમયમાં આ વાત વીસરાઈ જતાં એની એ જ પરિસ્થિતિ યથાવત રહી છે. આ ઉપરાંત કસ્ટમ ચોકથી સવાસર નાકા બાજુએ જતો માર્ગ સાંકડો હોવાથી વાહનો સામસામે આવી જાય છે. આ માર્ગને કાયમી વન-વે રાખવા માંગ ઉઠી છે. શહેરની મામલતદાર કચેરી પાસે આવેલું ગાંધી સર્કલ મોટી ટ્રાફિક સમસ્યા સર્જતું હતું. હવે સર્કલ નાનું કરતાં આજુબાજુમાં આડેધડ વાહન પાર્કિંગને કારણે વાહન વ્યવહારને અસર પડી રહી છે. જે તે વખતે પોલીસતંત્ર દ્વારા અહીં બોર્ડ મૂકી વાહનો પાર્ક ન કરવા સૂચના અપાઈ હતી. અત્રે ટ્રાફિક ન અવરોધાય અને અસ્તવ્યસ્ત વાહનો ઊભાં ન રહે તેની જવાબદારી કોની તેવો સવાલ નાગરિકોએ ઉઠાવ્યો હતો. અંજાર પોલીસ મથકે સમયાંતરે યોજાયેલા પોલીસ લોક દરબારમાં નગરમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગેની રજૂઆતો અગ્રણીઓ કરી ચૂકયા છે. પ્રશાસન દ્વારા યોગ્ય કરવાની હૈયાધારણા સિવાય કાંઈ કરાયું નથી. નગરમાં વાહન વ્યવહારને અવરોધરૂપ દબાણોની ભરમાર છે. ટ્રાફિકની દૃષ્ટિએ આવા દબાણો હટાવવાની જવાબદારી પોલીસની છે. તો બીજી બાજુ કાયદાના રક્ષકો દ્વારા પોલીસ મથકની બહાર ફૂટપાથ ઉપર કન્ટેનર મૂકી થયેલાં દબાણે અચંબામાં મૂકયા છે. કન્ટેનરની બાજુમાં રસ્તા ઉપર કેટલાંક વાહન મુકાતાં વાહન ચાલકેને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. આ સમસ્યા વાહન ચાલકો પણ ઉકેલી શકે એમ છે. લોકોમાં જાગૃતિના અભાવે આ મુશ્કેલી ઉકેલાતી નથી. નાગરિકોને શિરદર્દ સમાન ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક સહાયકોને જવાબદારી સોંપાઈ છે, જે ટ્રાફિક સર્જનારા પોઈન્ટે હાજર જોવા મળતા નથી. આવા કેટલાક કર્મચારીઓને વાહન ડિટેઈન અને દંડ વસૂલાતની કામગીરીમાં પોલીસ સાથે રખાય છે. જેથી સમસ્યાને ઉકેલ આવતો નથી. આ નગરમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની ભારે અવર-જવર રહે છે. જુદા-જુદા સરકારી તંત્રો પરસ્પર સંકલન કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આયોજન કરવામાં આવે તેવી સમયની માંગ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer