માંડવીમાં ચેમ્બરનો દર્દીઓને મફત ઓક્સિજન બાટલાનો સેવાયજ્ઞ અવિરત

માંડવીમાં ચેમ્બરનો દર્દીઓને મફત  ઓક્સિજન બાટલાનો સેવાયજ્ઞ અવિરત
માંડવી, તા. 3 : અત્રેની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્વાસ-દમ-અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે 16 વર્ષથી ચાલતો કાયમી પ્રોજેક્ટ ઓક્સિજન સિલિન્ડર સેવામાં અત્યાર સુધી દર્દીઓને રાહત અને મૃત્યુથી ઉગારવા 1500થી વધારે બાટલા આપી દર્દમાં રાહત અપાઈ છે. ચેમ્બર પ્રમુખ વાડીલાલભાઈ દોશી, ઉપપ્રમુખ પારસભાઈ શાહ, માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરુ, ખજાનચી ચંદ્રસેન કોટકે જણાવ્યું કે માર્ચથી મે માસ ત્રણ માસના સમયગાળા દરમ્યાન કોરોના વાયરસની મહામારી દરમ્યાન શ્વાસના દર્દીઓને 60થી વધારે ઓક્સિજન બાટલા દર્દીઓને નિ:શુલ્ક અપાયા છે. બાટલાની સંખ્યા વધારો કરવાનું જરૂરી હોતાં રાપરના જૈન મોભી દ્વારા 6 વધારાના બાટલા માટે સંઘવી ચુનીલાલભાઈ વીરચંદ દ્વારા રૂા. 30 હજારનું દાન મળતાં હવે ચેમ્બર માટે 24 બોટલ દર્દીઓની સેવામાં રહેશે. 2004માં આ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ ત્યારે પ્રભુલાલભાઈ સંઘવી પરિવારે એક લાખ રૂપિયાની સહાયથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. વાડીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અંજારના ભરતભાઈ શાહ તથા દીપક કુમાર શાહના રૂા. 25000ના દાનથી ગત દીવાળીથી આવતી દીવાળી સુધી દર્દીઓને ઓક્સિજન બોટલ તદ્ન ફ્રી આપવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer