સંસ્કારનગર વિસ્તારમાં પોલીસ જ ન હોવાથી અસંસ્કારીઓ બન્યા બેફામ

ભુજ, તા. 6 : શહેરના સંસ્કારનગર વિસ્તારમાં એકાએક ચોરઉચક્કાઓ બેફામ બની ગયા છે. અગાઉ મંગલમ્ ચારરસ્તા પાસે પોલીસ ચોકી હતી તે હાલ બંધ છે. વળી, હંગામી બસ સ્ટેશન અહીં આવ્યું, પરંતુ સાથોસાથ ત્યાંની પોલીસ ચોકી અહીં પહોંચી નથી. પરિણામે એકાએક ગુનાખોરો બેફામ બન્યા છે. જાગૃતો કહે છે કે, નાના-મોટા ચીભડચોરીના બનાવો તો બને જ છે ત્યાં આજે જ બનેલી ચોરીની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આવા ગુનાખોર તત્ત્વોને પોલીસની જરાય બીક જ નથી. થોડા દિવસો અગાઉ એ.ટી.એમ. મશીનને ભડાકે દઇ લૂંટવાનો બનાવ પણ આ જ વિસ્તારમાં બન્યો હતો. મોટી વસાહત, ધંધાકીય એકમો અને તેમાં પોલીસ ચોકીના અભાવે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળ્યું છે. તેઓ બિન્ધાસ્ત બનીને પોતાના બદઇરાદાને અંજામ આપી રહ્યા છે. આ વિસ્તારમાં વિવિધ?ક્ષેત્રો સાથે જોડાયેલી નામી વ્યક્તિઓ રહે છે. ગુનાખોરીના બેધડક બનાવો બની રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોના ભવાં તંગ થયાં છે અને માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં સ્થાયી પોલીસ ચોકી અતિજરૂરી છે. આ માટે ઉચ્ચ પોલીસ અમલદારો પણ કંઇક ઘટતું કરી આગળ આવે તો અંતે આ વિસ્તારમાં આવા ગુનાખોરીના બનાવનો ગ્રાફ નીચો આવશે. આથી કાયદો-વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેના શિરે છે તેવા પોલીસતંત્ર માટેય સુચારુ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer