એક હજાર કિલો લાપસી બનાવી, ગાયોને ખવડાવી અનોખી ઉજવણી

એક હજાર કિલો લાપસી બનાવી,  ગાયોને ખવડાવી અનોખી ઉજવણી
રાતા તળાવ, તા. 6 : અહીંની સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે વિવિધ દાતાઓ દ્વારા આખા દિવસની ચારા નીરણની વ્યવસ્થા કરી ગૌદાન કરી ગુરુપૂર્ણિમા ઉજવી હતી. બેંગ્લોર વસતા ભગવાનદાસ છાભૈયાનાં પૌત્રનો જન્મદિન હોવાથી ગૌ સેવામાં ખર્ચ કરી જન્મદિન ઉજવવાની અનોખી પહેલ કરી હતી. કોટડા જડોદરથી પાટીદાર પરિવારોએ રાતા તળાવ આવી 1000 કિલો ઘઉંની લાપસી બનાવી અશક્ત ગૌવંશને ખવડાવી હતી અને તમામ સમાજના લોકો જન્મદિવસ ઉજવવા માટે અન્ય ખર્ચ કરે છે તેની જગ્યાએ સેવાકીય કાર્યમાં આ રકમ વપરાય તેવી અપીલ પણ દાતા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે કચ્છ કડવા પાટીદાર સમાજનાં બેંગ્લોર વસતા ગૌદાન ગૃપના ભાઇઓ, અંબિકા ચંદ્ર નિકેતન ટ્રસ્ટ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્થ યુ.કે., દેવલમા જીવદયા સતસંગ સમિતિ, જીવદયા કલાકાર ગ્રુપ ભુજ, નર નારાયણદેવ યુવક મંડળ, દિનેશ શિવજી ભુવા, રમાબેન માવજી વરસાણી, સ્વ. ખીમજી વીરજી ભુડીયા પરિવાર વગેરે દાતાઓ દ્વારા એક એક ટેમ્પો મળી કુલ 45000 કિલો ચારાનું નીરણ પણ ગૌવંશને કરવામાં આવ્યું હતું. ઓધવરામ સતસંગ મંડળનાં પ્રમુખ હરિભાઇ ભાનુશાલી તથા ભાનુશાલી સેવા સમાજનાં પૂર્વ ખજાનચી કમલેશ દામાએ દાતાઓનો આભાર માન્યો હતો. સંસ્થાપક મનજીભાઇ ભાનુશાલી, નરેન્દ્ર પાંચાણી, શંકર ઠક્કર, અરવિંદ ગોર, વિપુલ ગોર, કરમશીં પટેલ સાથે સંસ્થાનાં સૌ કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer