બાગ બાજુના તળાવમાં યુવતી ડૂબી

બાગ બાજુના તળાવમાં યુવતી ડૂબી
કેડાય (તા. માંડવી)-ભુજ, તા. 6 : માંડવી તાલુકાના બાગ ગામના વાડી વિસ્તારમાં કોડાય-ગુંદિયાળી રસ્તા ઉપર આવેલાં અરોડાઇ તળાવમાં 18 વર્ષીય રોશનબાઇ ઇશાક સમાનું ડૂબી જતાં મોત થયું છે. ભુજ તાલુકાના બાવળાના ઇશાક હારૂન સમા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મૂળજી નાકરની બાગની વાડીમાં પશુઓની સાર સંભાળનું કામકાજ સહપરિવાર સંભાળતા આ ઇશાકભાઇની પુત્રી રોશનબાઇ સવારે છ વાગ્યા આસપાસ તબેલામાં ગાયના દોહન બાદ અચાનક જ કોઇ અગમ્ય કારણોસર આ વાડીથી થોડેક દૂર આવેલાં અરોડાઇ તળાવમાં ઝંપલાવી દેતાં તેનું ડૂબી જવાથી મોત થયું હતું. આ સમાચાર સાંભળતા આજુબાજુના ખેડૂતો, સમાજના અગ્રણીઓ ઘટનાસ્થળે તથા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને વાડી માલિક એવા મૂળજીભાઇ રામજીભાઇ નાકરએ પોલીસને જાણ કરી હતી. મૂળજીભાઇ તેમજ અરવિંદભાઇ મોતા, ગામના ઉપસરપંચ જયંતીભાઇ નાકર, માંડવી નગરસેવક નરેન સોની અને રમેશ નાગુ, અબ્દુલા ઓઢેજા સહિત બાગ, પિયાવા વાડી વિસ્તાર તેમજ મોટા સલાયાના વાઘેર સમાજના યાકુબ તૈયબ ભુસર અને ટીમ તથા બિદડાના યુવાનો મદદરૂપ થયા હતા. દરમ્યાન માંડવી પોલીસ મથકે હતભાગી યુવતીના પિતા ઇશાકભાઇએ આ ઘટના અંગે નોંધાવેલી વિગતોના આધારે પોલીસે આગળની તપાસ આદરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer